પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
ભાગુરાયણ સેનાપતિ.

ભાગુરાયણ અને અમાત્ય રાક્ષસનું એ પ્રમાણે સંભાષણ થવા પછી ભાગુરાયણ પોતાના મંદિરે જવાને નીકળ્યો. માત્ર અમાત્ય વિશેની તેની શુદ્ધ ભાવનામાં આજે ભેદ થઈ ગયો. તેના મનમાં આવા વિચારો આવવા માંડ્યા; “ અમાત્યની હવે મારા વિશે પણ સંશયબુદ્ધિ થવા માંડી છે અને તેથી પોતાના ગુપ્તચરોદ્વારા તે મારા વર્તનની પણ તપાસ રખાવે છે. આવા અમાત્યના અધિકાર તળે રહેવું, તે હવે પોતાનું અપમાન પોતાને હાથે જ કરવા જેવું છે. અમાત્ય અને સેનાપતિ એ બન્ને સમાન અધિકારી હોવા જોઈએ – અને જો તેમ ન પણ હોય, તો સેનાપતિ વિશે અમાત્યે આવી શંકાશીલ વૃત્તિ રાખવી જોઈએ નહિ. એમ ન વર્તતાં અમાત્ય મારા વિશે પણ શંકા કરવા લાગ્યો છે, તો હવે જ્યાં સૂધી રાક્ષસનો આ રાજ્યમાં અધિકાર છે, ત્યાં સુધી આપણે અહીં રહેવું નહિ, બીજે કેાઈ સ્થળે નીકળી જવું, એ જ સારો માર્ગ છે.” એવો તેનો નિશ્ચય થયો. એક વાર આવા વિચારો મનમાં આવવા માંડ્યા કે પછી તે તીડોની વૃદ્ધિ પ્રમાણે કેવા વધતા જાય છે, એનો નિયમ જ રહેતો નથી.” હું આટલો બધો સારી રીતે વર્તતો હોવા છતાં પણ મારા વિશે અમાત્યના હૃદયમાં આટલી બધી શંકા થવાનું કારણ શું હોવું જોઈએ;” એના શોધમાં તેનું ચિત્ત લીન બની ગયું; અને “મુરાદેવીને મેં રાજાનાં ચરણોમાં અર્પિત કરી, ત્યારનો મારા વિશેનો દ્વેષ અથવા મત્સર અદ્યાપિ અમાત્યના અંત:કરણમાં કાયમ હોવો જોઈએ,” એવું કારણ તેણે શોધી કાઢ્યું. આજ સૂધીમાં જે જે વાતો તેને સારી દેખાતી હતી, તે હવે બીજા પ્રકારની દેખાવા લાગી. એથી ક્ષણે ક્ષણે એની શંકામાં પણ વધારો જ થતો ગયો. તેને એવો પણ સંશય થયો કે, “અમાત્યના મનમાં મારા વિશે સારા વિચારો તો નથી જ. તેથી જો પ્રસંગ આવશે અને મારા વિરુદ્ધ કોઈ ક્ષુદ્ર કારણ મળી આવશે, તો તત્કાળ અમાત્ય મને આ પાટલિપુત્રમાંથી બહાર હાંકી કાઢવાનો જ.”

થોડીકવાર તેનું હૃદય શાંત થઈ ગયું અને પાછું વિચારસાગરમાં ડૂબકીઓ મારવા લાગ્યું. “આવી સ્થિતિમાં મારે અહીં શામાટે રહેવું જોઈએ ? રાજા ધનાનન્દ તો કાંઈ જોતો જ નથી, ને તેથી સર્વ સત્તા એ અમાત્યના હાથમાં આવવાથી એ પોતાને જ ભૂપાલ માનીને સઘળી વ્યવસ્થા કરે છે. એ વ્યવથા કરે છે, તેનું તો કાંઈ નહિ, પરંતુ એ વ્યવસ્થા તેણે પોતાની બરાબરીના બીજા વરિષ્ઠ અધિકારીઓનું માન જાળવીને કરવી જોઈએ કે નહિ ? મારામાટે જે ગુપ્તચારો એણે નીમ્યા હશે, તેમના આગળ મારી હવે શી કીંમત રહી? પુષ્પપુરમાંનો કોઈ સાધારણ ચોર અને હું સમાન જ થયા કે નહિ? અને જેના તેના વિષે શંકા-શંકા એટલે ? આર્ય ચાણક્ય