પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
ભાગુરાયણ સેનાપતિ.

નજર ફેરવી અને તેની શંકા ખરી પણ ઠરી. એથી તે સામો તેના મનમાં વધારે સંતાપ થયો અને સેનાપતિના પદે છતાં પણ જે નગરીમાં પોતાનું અપમાન થતું હોય, તે નગરીમાં રહેવું જ શાને માટે? બીજા રાજ્યમાં જઈને નોકરી કરી પેટ ભરવાનું સામર્થ્ય નથી કે શું ? એવી એવી અનેક ભાવનાઓ એક પછી એક તેના મનમાં આવવા લાગી. જો તેની ઇચ્છા થઈ હોત તો જે દૂતો તેની પાછળ પડેલા હતા, તેમને પકડીને તેઓ કોની આજ્ઞાથી અને શા ભેદના શોધ માટે ફરતા હતા, ઇત્યાદિ તે બળાત્કારે પણ પૂછવાને શક્તિમાન હતો. માત્ર એક સિપાહીને હુકમ કરવાનો વિલંબ હતો. પણ એ ઇચ્છાને તેણે મનમાંને મનમાં જ દાબી દીધી અને તે સીધો ચાણક્યના આશ્રમની દિશામાં ચાલતો થયો. જતાં જતાં તેના મનમાં બીજો એક વિચાર આવ્યો અને તત્કાળ તેણે પોતાના સાથે લીધેલા નોકરને પાછો ઘેર મોકલી દીધો. નોકરને ઘેર જવાની આજ્ઞા થતાં જ તે આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયો. પણ જ્યાં સ્વામીની જ ઇચ્છા ન હોય ત્યાં નોકર વધારે શું કરી શકે? તે ચાલ્યો ગયો. ભાગુરાયણ એકલો જ ગંગાકણવાહી શીતલ વાયુથી પોતાના તપ્ત મસ્તકને શાંત કરતો આર્ય ચાણક્યની પર્ણકુટીમાં આવી પહોંચ્યો.

આર્ય ચાણક્ય પણ આજે ખરેખર ઘણી જ ઉત્સુકતાથી ભાગુરાયણની વાટ જોતો બેઠો હતો - છતાં પણ બહારથી બેપરવાઇનો ભાવ દેખાડતો તે કહેવા લાગ્યો કે, “સેનાધ્યક્ષ! આજે તું આવીશ, એવી મારી ધારણા હતી નહિ. કાલે અને પાછું આજે કાંઈ લગોલગ આવવું થાય છે. બાકી આ તારા આગમનથી મને તો ઘણો જ આનંદ થાય છે, એનું મારા મુખથી વિશેષ વર્ણન કરવાની આવશ્યકતા નથી.”

“અને આપનાં દર્શન તથા આપની સાથેના સંભાષણથી મને પણ અદ્વિતીય આનંદ થાય છે, એ પણ ખુલ્લું જ છે - માટે તેના વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. હું તો હવે આપને મારા ગુરુ જ ધારું છું. પણ આર્ય ચાણક્ય, આજે હું આપને એક વાત કહેવા અને પૂછવાને આવેલો છું. હું જે કહું અને પૂછું, તેથી જો આપ કોપ ન કરવાનું વચન આપો તો પછી હું મારી જીભ ખોલું.” ભાગુરાયણે નમ્રતાથી વિનતિ કરી.

“હું કોપ કરું? સેનાનાયક ! આ દરિદ્રી બ્રાહ્મણે તો લજજા, કોપ અને ખેદનો ક્યારથીએ ત્યાગ કરેલો છે. હવે એ વસ્તુએ મારી પાસે છે જ ક્યાં, કે જેમનો મારા હૃદયમાં આવિર્ભાવ થઈ શકે? જે કહેવા અને પૂછવાનું હોય, તે સુખેથી કહે અને પૂછ. હું સાંભળવાને અને તેનાં ઉત્તરો દેવાને તૈયાર છું.” ચાણક્યે કહ્યું.