પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

આવીને પોતાને ત્રાસ ન આપે, એવી તેની ઇચ્છા થતી હતી, ત્યારે તે એ જ અંતર્ગુહમાં આવીને બેસતો હતો અને પોતાના પ્રતિહારીને એવી કઠિન આજ્ઞા આપતો હતો કે, “મારા સમક્ષ કોઇને પણ આવવા દેવો નહિ અને કોઈ આવ્યું હોય, તેની મને ખબર પણ ન પહોંચાડવી. માત્ર જો અમુક અમુક ગુપ્તદૂતો આવે, તો તેમને જ આવવા દેવા.” એ નિયમ પ્રમાણે આજે ૫ણ પ્રતિહારીને આજ્ઞા આપીને રાજપ્રધાન પોતાના ખાનગી ઓરડામાં કાંઇક ઊંડા વિચારમાં નિમગ્ન થઇને બેઠો હતો. આજે તેની મુખમુદ્રાએ કાંઈક વિચિત્ર ગંભીરતાનો ભાવ ધારેલો હતો.

અમાત્ય રાક્ષસ દેખાવમાં ઘણો જ તેજસ્વી અને શરીરે પણ ઊંચો અને ભરેલો પુરુષ હતો. તેનું શરીરબંધન તત્કાળ બીજાના મનમાં પ્રભાવ પાડી શકે એવું હતું. નેત્રો પાણીવાળાં અને સર્વગ્રાહી દેખાતાં હતાં. કપાળ ઉચ્ચ અને વિસ્તીર્ણ તથા છાતી ઘણી પહોળી અને વિશાળ હતી; એ સર્વે કારણોથી અને તેની મુખમુદ્રા ઘણી જ ગંભીર હોવાથી લોકોના મનમાં એનો ઘણો જ સારો પ્રભાવ પડતો હતો. અમુક કાર્ય કરવા માટેનો રાક્ષસનો નિશ્ચય થયો, એટલે તેથી વિરુદ્ધ મત કોઈ પણ આપી શકે તેમ નહોતું. પરંતુ એ પ્રભાવની સર્વના હૃદયમાં એક સરખી અસર થતી હોવાથી તે જેવો જોઇએ તેવા લોકપ્રિય હતો નહિ. જેટલો પ્રભાવ પોતાના દાસપર કે કોઈ કાયસ્થ (કારકુન) પર તે નાંખતો હોય, તેટલો જ પ્રભાવ પોતાની બરાબરીના અધિકારીપર પણ નાંખવાની તેને ટેવ હોવાથી તેવા સમાન પદધારી અધિકારીઓ તેને અંતઃકરણપૂર્વક માન આપતા નહોતા. તે રાજાનો પ્રતિનિધિ અને સ્વામિહિતદર્શી તેમ જ મહા ન્યાયનિષ્ઠ અને પોતાના હિતની લેશમાત્ર પણ પરવા રાખનારો ન હોવાથી લોકોમાં તેની કીર્તિ પણ વિશેષ હતી અને તે પ્રજાપ્રિય પણ હતો. વળી ગુપ્ત દૂતો દ્વારા ગુપ્ત સમાચારો મેળવવામાટે તે સદા તત્પર રહેતો હોવાથી સાધારણ રીતે પ્રજાજનો કે અધિકારીઓ કોઇપણ પ્રકારનું અયોગ્ય વર્તન કરવામાં ઘણા જ ખંચાતા હતા. પરંતુ તે મોટા મોટા અધિકારીઓની પણ સાધારણ લોકો પ્રમાણે જ તુલના કરતો હોવાથી મંત્રિમંડળમાં તેના માટે જોઇએ તેટલો સંતોષ હતો નહિ, મોટા અધિકારીઓ, આપણામાં પણ રાક્ષસ સર્વદા અવિશ્વાસ જ રાખે છે, એ વિચારથી નિરંતર ઉદાસીન રહેતા હતા. રાક્ષસના ચાતુર્યમાં માત્ર એટલી જ ખામી હતી કે, તેમના મનની સત્ય સ્થિતિનું તે દર્શન કરી શકતો નહોતો. હવે આપણે રાક્ષસના હાલના વિચારોનું અવલોકન કરીએ અને વાર્ત્તાના વળાને આગળ લંબાવીએ.