વિલક્ષણ સામ્ય બંધુના પુત્રમાં કેવી રીતે હોઈ શકે ?” પુનઃ તેણે પોતાના મનનું સમાધાન કર્યું કે, “પ્રદ્યુમ્નદેવ મુરાદેવીને સહોદર ભ્રાતા છે, માટે મુરાની અને તેના બંધુની ચર્યામાં સામ્ય હોય, એ સ્વાભાવિક છે - અને પુત્રનું મુખ પિતા જેવું થયું હશે.”
એવી રીતે મનમાંથી જ ઉપજાવી કાઢેલાં ઉત્તરો વડે રાક્ષસના કેટલાક સંશયો તો તે દિવસે દૂર થયા અને તે સર્વથા નિશ્ચિંત થયો. હવે તેના મનમાં એક જ ચિંતા બાકી રહી – તે એ કે, “રાજા ધનાનન્દ રાજ્ય કાર્યભારમાં કાંઇ પણ ભાગ લેતા નથી. મુરાદેવીમાંથી એને મોહ ઓછો કરીને પાછા એને રાજ્યકાર્યમાં કેવી રીતે નાંખવો ? રાજાને ગમે તે ઉપાયે પણ ઠેકાણે તો લાવવો જોઇએ જ અને આપણો મુરાના મંદિરમાં તો પ્રવેશ પણ થઈ શકે તેમ નથી. પણ હવે જ્યારે મુરાની દાસી જ આપણાથી મળેલી છે અને તે જ આપણી ગુપ્ત દૂતી થએલી છે, તો કોઈને કોઈ યુક્તિથી પણ રાજાનું મન કેાઈ દિવસે પણ ફેરવી શકાશે ખરું. એક વાર રાજાનો અને મારો મેળાપ થયો, એટલે મારું કાર્ય સહજમાં જ થઈ જશે. માટે એ વિશે હવે વધારે કાળજી રાખવાની કાંઈ પણ અગત્ય નથી.” એવો વિચાર કરી ત્યાંથી ઊઠીને તે પોતાના અન્ય કાર્યની વ્યવસ્થા કરવા માટે ઉદ્યુક્ત થયો.
અમાત્યની આજ્ઞા અનુસાર હિરણ્યગુપ્ત પ્રતિદિને ગુપ્ત રીતે સુમતિકાને મળવા માટે મુરાના મંદિરમાં જતો હતો. સુમતિકા પણ તે પૂછે તેનાં યોગ્ય ઉત્તરો આપતી હતી અને જે કાંઇ વધારે બીના બની હોય તો તે વિના પૂછે પણ કહી દેતી હતી. હિરણ્યગુપ્ત એ સર્વ વૃત્તાંત રાક્ષસને કહી સંભળાવતો હતો. એ વૃત્તાંતોમાં મુરાદેવી વિરુદ્ધની વાતોની સંખ્યા વધારે રહેતી હતી. એક દિવસે તો સુમતિકાએ પોતે અમાત્યરાજને મળવાની ઇચ્છા દર્શાવી અને તે પ્રમાણે અમાત્યને ત્યાં આવીને એકાંતમાં રાક્ષસને સૂચવ્યું કે, “મુરાદેવીનો કોઈ કૃષ્ણ કારસ્થાન કરવાનો મનોભાવ છે. પણ તે શું છે, એ હું હજી સંપૂર્ણ રીતે જાણી શકી નથી. હવે એમાં વધારે ધ્યાન રાખીને જે કાંઈ પણ જાણવા જેવું બનશે તો હું તમને તત્કાળ જણાવીશ. આ ભેદ પૂરેપૂરો ખુલી ન જાય, ત્યાં સુધી આજની આ વાતને છૂપી જ રાખજો.”
“પણ એ ભયંકર કારસ્થાન શું છે ?” અમાત્ય રાક્ષસે પૂછ્યું.
“કારસ્થાન શું છે, તે અદ્યાપિ મારા જાણવામાં આવ્યું નથી. માત્ર મને સંશય આવ્યો, તેટલી જ બીના આપને જણાવી છે.” સુમતિકાએ ઉત્તર આપ્યું.