પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૭૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

આપવાનું માથે લીધું છે. નહિં તો આ કાર્ય વિના મારું શું અટકી પડ્યું છે ? કોઈ પણ કાર્ય હોય તો તે વિશ્વાસથી જ થાય છે - આમ જો તારો અને અમાત્યનો મારામાં વિશ્વાસ ન હોય, તો લે આ પત્રિકા પાછી લઈ જઈને અમાત્યરાજને આપજે.” એમ કહીને અમાત્યે તેને આપેલું પત્ર બહાર કાઢીને તેણે હિરણ્યગુપ્તના મુખ આગળ ધર્યું. એ વખતે તેણે કોપનો એવો તો આવિર્ભાવ કર્યો કે, હિરણ્યગુપ્ત એકદમ તેના દમમાં લેવાઈ ગયો અને ઘણી જ આર્જવતાથી તેને સમજાવીને ત્યાંથી રવાની કરી દીધી. સુમતિકા તેની દૃષ્ટિથી દૂર ગઈ ત્યાં સૂધી તેવી જ કોપમાં હતી; પરંતુ જરાક દૂર જતાં જ તે મનમાં હસી અને વારંવાર પાછળ જોતી જોતી મુરાદેવીના મંદિરમાં જવા માટે આગળ વધી. તેણે શી યુક્તિ કરી, તે તો તે કે પરમાત્મા જાણે, પણ બીજે દિવસે રાજા ધનાનન્દનો અમુક સમયે મળવા આવવા માટેનો અમાત્ય રાક્ષસને સંદેશો મળ્યો. આમંત્રણ પહોંચતાં જ “સુમતિકા ઘણી જ ચતુર સ્ત્રી દેખાય છે. એણે મારા કહેવા પ્રમાણે તત્કાળ રાજાને પત્ર પહોંચાડીને મારું તેડું કરાવ્યું અર્થાત્ મુરાદેવીના મંદિરમાં જો કાંઈ કામ પડશે, તો સુમતિકા ઘણી જ કામની થઈ પડશે.” એવા વિચારોથી રાક્ષસના મનમાં ઘણો જ આનંદ થયો અને બીજે દિવસે મહારાજનો મેળાપ થાય, તે વેળાએ શું બેાલવું અને તેના પ્રાણપર સંકટ આવવાનું છે, તેમાંથી બચવા માટે શો ઉપાય બતાવવો, ઇત્યાદિનો તે ઊહાપોહ કરતો બેઠો.

બીજે દિવસે યોગ્ય સમયે મહારાજે અમાત્યની મુલાકાત લીધી. એ વેળાએ પ્રથમ મહારાજે અમાત્યને આ પ્રશ્ન કર્યો કે, “તમે જે બીજા કોઈ શત્રુના ચઢી આવવા વિશે પત્રમાં લખ્યું, તે ચઢી આવનાર કોણ છે? કોનો અન્તકાળ એટલો બધો નિકટમાં આવી પહોંચ્યો છે કે, જેથી તેને મગધદેશપર દષ્ટિ નાંખવાની દુર્બુદ્ધિ ઉત્પન્ન થઈ છે?”

“મહારાજાથી મેળાપ કરવા માટે જે યુક્તિ લડાવી છે, તે વિશે મહારાજ અવશ્ય પૂછશે જ, ત્યારે શું ઉત્તર આપવું ? આપની મુલાકાત થતી નહોતી, તે કરવા માટે આ યુક્તિ રચી છે, એમ તો કહેવાય નહિ. માટે હવે કોઈ ઉડાવનારો જવાબ જ આપવો જોઈએ.” એવો મનમાં વિચાર કરીને અમાત્યે તત્કાળ ઉત્તર આપ્યું કે, “મહારાજ ! આપણા આ મગધદેશને વક્રદષ્ટિથી જોનારો કોઈ પુરુષ સમસ્ત ભરતખંડમાં તો નથી. પણ મ્લેચ્છાધિપતિ પર્વતેશ્વર હમેશ આ પુષ્પપુરીને ઘેરો ઘાલવા માટે બડબડ્યા કરે છે - હમણાં હમણાં તો તેનું એ બડબડવું ઘણું જ વધી