ગયું છે. વળી તેમ કરવા માટેની થોડી ઘણી તયારીઓ પણ તેણે કરવા માંડી છે, એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે. મારા જાસૂસોએ મને એ ખબર આપી, એટલે તત્કાળ તે મહારાજાને જણાવી દેવાનું મેં યોગ્ય વિચાર્યું. મહારાજ ! પર્વતેશ્વરનો મદ ઉતારવાનો પ્રસંગ એકવાર તો નક્કી આવવાનો જ - તે દિવસે દિવસે વધારે અને વધારે ઉચ્છ્રંખલ થતો જાય છે અને તેથી આ વર્ષનો કર ચૂકવતી વેળાએ કાંઈપણ ગડબડ કરવાનો જ, એમ સ્પષ્ટ દેખાય છે. પરંતુ મહારાજ ! હું અહીં આવ્યો છું તે ખાસ એ પર્વતેશ્વર વિશે જ વાતચિત કરવાને નથી આવ્યો કિન્તુ મારે કોઈ અંત:શત્રુ વિશે પણ કાંઈ બોલવાનું છે, પણ જો આજ્ઞા મળે, તો.”
“અંત:શત્રુ ? આપણો અંતઃશત્રુ ? તે વળી કોણ જાગ્યો છે ?" ધનાનન્દે હસતાં હસતાં કહ્યું.
“તે કોણ છે, એ મારાથી અત્યારે જ કહી શકાય તેમ નથી. પરન્તુ આપે ઘણી જ સાવધાનતાથી રહેવું - એટલી મારી પ્રાર્થના છે.” અમાત્યે કહ્યું.
“હા - ખરું છે - હું પણ એવું કાંઈક જાણી ચૂક્યો છું અને ત્યારથી બહુધા સાવધ જ રહું છું.” રાજાએ ઉત્તર આપ્યું.
“મહારાજ સાવધ રહેતા હોય તો પછી બીજું શું જોઈએ? એમ જ હોય, તો પછી બીવાનું કાંઈપણ કારણ નથી.” અમાત્ય બોલ્યો.
“હું ઘણો જ સાવધ છું, એટલું જ નહિ, પણ મારા સંરક્ષણ માટે બીજી પણ બે ત્રણ વ્યક્તિઓ સાવધ થઈ રહેલી છે. એ ભયનો મને પ્રત્યક્ષ અનુભવ મળી ચૂકયો છે, એટલે હવે શંકા લેવાનું કાંઈપણ કારણ રહ્યું નથી.” મહારાજ ધનાનન્દે પોતાપર વીતેલી વાતનો મર્મમાં ઉલ્લેખ કરતાં કહ્યું.
“શું - મહારાજાને અનુભવ પણ મળી ચૂક્યો છે ? અને મહારાજાએ અપરાધીને ક્ષમા આપી છે ?” રાક્ષસે આશ્ચર્યથી પૂછ્યું.
“હા - ક્ષમા હાલમાં તો અપાયલી છે - પણ તે ચોરને માલ મુદ્દા સાથે પકડવા માટે જ એ રાજનીતિ છે.” ધનાનન્દે વળી પણ માર્મિક ઉત્તર આપ્યું.
“પણ મહારાજ ! શત્રુ નિકટમાં વસતો હોવા છતાં તેને દૂર ન કરતાં ક્ષમા આપીને આંખ મીચામણી કરવાથી કોઈ દિવસે અચાનક ઘાત થવાનો સંભવ છે. માટે જ મારી એવી સલ્લાહ છે કે, તેને ક્ષમા