પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૮૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“શું–હિરણ્યગુપ્ત ફૂટ્યો?” ભાગુરાયણે ઘણા જ આશ્ચર્યથી વચમાં જ પ્રશ્ન કર્યો.” હિરણ્યગુપ્ત આપણા પક્ષમાં આવ્યો, એ તો એક અદ્ભુત વિલક્ષણ ઘટના બની, એમ જ કહી શકાય. એ તો અમાત્યનો બધા કરતાં વધારે વિશ્વાસુ દૂત છે, શું તે ફૂટ્યો ? તેને આપે ફોડ્યો? હું માની શકતો નથી. શું આપ એ ખરું કહો છો વારુ?”

“સેનાધ્યક્ષ ! એવા હલકા માણસને ફાડવામાં જેવાં હથિઆરોની જરુર હોય, તેવાં હથિયારોની યોજના કરી કે તેઓ તે જ પળે આપણા થઈ જાય છે. મુરાદેવીના મંદિરમાંની છૂપી બાતમીઓ મેળવવા માટે અમાત્યે સુમતિકાને ફોડવાનો યત્ન કર્યો, પરંતુ પોતે અમાત્યના પક્ષમાં જવાને બદલે સુમતિકાએ સામે હિરણ્યગુપ્તને જ પોતાનો કરી લીધો. તે હવે સુમતિકાને અને સુમતિકાને લીધે મારો એવો તો ભક્ત બની ગયો છે કે, તેની ભક્તિનું મારાથી વર્ણન પણ થઈ શકે તેમ નથી ! હું જે કહું તે સુમતિકા તેની માર્ફતે તત્કાળ કરાવી શકશે. કનક અને કાન્તાના લોભથી મનુષ્ય કેવાં કેવાં કાર્યો કરવાને ઉદ્યુક્ત થાય છે, એની કલ્પના કરી શકાય તેમ નથી. હિરણ્યગુપ્તને સુમતિકાએ પોતામાં એટલો બધો લુબ્ધ કરી રાખ્યો છે કે, તે તેની પાછળ એક કૂતરા પ્રમાણે ભટક્યા કરે છે! રાક્ષસનાં સર્વ પુત્રો એ જ લખે છે અને રાક્ષસની મુદ્રા પણ તેના જ સ્વાધીનમાં રહે છે. પર્વતેશ્વરના સરનામાંનું - જાણે કે રાક્ષસ તેને લખતો હોય તેવું - ૫ત્ર હું તેની માફતે લખાવીશ અને તે પત્રમાં રાક્ષસની મુદ્રા તે છાપી દેશે. એ કાર્ય મારા શિરે આવ્યું. વળી એ પત્ર ગુપ્ત રીતે પર્વતેશ્વરના હાથમાં પહોંચાડી દેવાની વ્યવસ્થા પણ હું કરી લઇશ. માત્ર અવકાશ તારી અનુમતિનો જ છે. સેનાધ્યક્ષ ! જ્યાં સૂધી હિરણ્યગુપ્ત જેવા દૂતો આપણા હાથમાં છે, ત્યાં સુધી જ એમ થવું શક્ય છે; પરંતુ તેઓ સદા સર્વદા એવી જ રીતે અનુકૂલ રહેશે કે નહિ, એની શંકા જ છે. માટે જે કાંઈ પણ કરવાનું હોય, તે ઉતાવળે કરી નાંખવું એ જ વધારે સારું છે. સુમતિકાની સહાયતાથી મેં જે એક બીજા વ્યૂહની રચના કરી છે, તેથી તો રાક્ષસ સર્વથા અંધ જ બની ગયો છે. તેને મહારાજના પ્રાણ પર આવનારા કાલ્પનિક સંકટ વિના અને તેના નિવારણનો શો ઉપાય કરવો, એના વિચાર વિના બીજું કાંઈ પણ સૂઝતું નથી. આપણા આ કારસ્થાનની તેને જો જરા જેટલી પણ ખબર પડશે, તો આપણા બધા પ્રયત્નો માટીમાં જ મળી જવાના. એટલા માટે એની આંખો જ્યાં સૂધી બંધ છે, ત્યાં સુધી જ આપણો દાવ ફાવશે. હિરણ્યગુપ્ત આજ સુધી તો આપણને એટલો બધો અનુકૂલ છે કે, આપણે કહીશું તેવું પત્ર લખીને તેના પર તે રાક્ષસની મુદ્રાનું ચિન્હ કરી આપશે. એ મુદ્રાવાળી પત્રિકા પર્વતેશ્વરના હાથમાં જતાં જ તે હર્ષથી આનંદ તાંડવ કરવા