કે, આપના દૂતો મારે ત્યાં આવે અને મારામાટે લોકોના મનમાં શંકા ઉદ્દભવે, એ સારું નહિ. આવાં રાજકારસ્થાનો કેટલાં બધાં નાજુક હોય છે, એ તો આપ જાણો જ છો. હું આ પત્ર એક શ્રમણ દ્વારા મોકલું છું - એનું કારણ એ જ કે, એ બૌધભિક્ષુઓ જ્યાં ગમે ત્યાં જાય આવે છે, એમને કોઈપણ રાજકારસ્થાન સાથે સંબંધ હશે અથવા તે એ દૂતપણું પણ કરતા હશે, એવી કોઇના મનમાં શંકા પણ આવવાની નથી. આ સિદ્ધાર્થક વિના બીજા કોઇદ્વારા પત્ર આવશે, તો તે ઉપયોગી થશે નહિ. સિદ્ધાર્થક અમારો ઘણો જ વિશ્વાસુ મિત્ર છે - માટે એના વિશે આપે બિલ્કુલ સંશય કરવો નહિ....”
મેાકલેલા દૂતવિશે અને તે દ્વારા પત્રનું ઉત્તર ઇત્યાદિ મેાકલવા વિશે પ્રથમ સ્પષ્ટતાથી લખીને ત્યારપછી બીજું જે કાંઈ લખવાનું હતું, તે લખેલું હતું. એટલે હવે ભાગુરાયણ દરરોજ ચાણક્ય પાસે આવીને “આપણી પત્રિકા પહોંચી હશે કે ? પહોંચી હોય, તો પર્વતેશ્વરનો એ વિશે શો અભિપ્રાય થયો હશે? અને એ સર્વ બીના સત્ય જાણતાં એ આપણી ઇચ્છા પ્રમાણે યુદ્ધ કરવાને આવશે કે નહિ ? અને આપણી ધારણા પ્રમાણે કદાચિત્ આવ્યો, તો આપણાથી રાક્ષસના નામની જ્યાં ત્યાં અફવા ઉડાડી શકાશે કે નહિ?” ઇત્યાદિ અનેક પ્રશ્નો તે ચાણક્યને પૂછ્યા કરતો હતો. સમુદ્રમાં નૌકાને ધકેલી તો ખરી, માટે હવે તેને તીરે પહોંચાડવી જ જોઇએ અને તેમાં પોતે ન ડૂબતાં પાર ઊતરી જવું જોઇએ, એવું ભાગુરાયણના મનમાં સાહજિક અભિમાન ઉત્પન્ન થયું. ભાગુરાયણ એકદૃષ્ટિથી ચાણક્યનો અંકિત થયો.
પરંતુ ચાણક્યને માત્ર એ એક જ હેતુ સાધવાનો નહોતો. મુરાદેવીદ્વારા મુરાએ નન્દ રાજાને મારવાની લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરાવવાનો પણ તેને અંતસ્થ હેતુ હતો, તેમ જ રાક્ષસને પણ સદૈવ કોઈને કોઈ ચિંતામાં નિમગ્ન રાખવાનો પણ તેનો મનોભાવ હતો. પોતાને કોઇ જાળમાં ફસાવે છે, એવો જો રાક્ષસને સંશય માત્ર પણ આવશે, તો આપણી આ ઊભી કરેલી ઇમારત એકદમ ટૂટી પડશે; એટલા માટે તેના મનને બની શકે ત્યાંસુધી વિચારમગ્ન અને વિશ્વસ્ત રાખવાની ઘણી જ આવશ્યકતા હતી. મુરાદેવીની પ્રતિજ્ઞા વિશે ચાણક્ય અદ્યાપિ ભાગુરાયણને કાંઈ પણ કહ્યું નહોતું, તેમ જ પોતે કોણ અને શા માટે અહીં આવ્યો છે, તે પણ તેને જણાવ્યું નહોતું. ચન્દ્રગુપ્ત વસ્તુતઃ કોણ છે અને તેને તે શા હેતુથી પાટલિપુત્રમાં લઇ આવ્યો છે, એનાથી વધારે બીજું કાંઈ પણ તેણે ભાગુરાયણને કહેલું નહોતું અને એ વૃત્તાંત કહ્યાવિના ભાગુરાયણ વશ થઇ શકે તેમ નહોતું. મગધરાજાના સેનાપતિને કે અમાત્યને પોતાના