પક્ષમાં લાવ્યા વિના ધારેલું કાર્ય પાર પડી શકે તેમ નથી, એ તે સારી રીતે જાણતો હતો. અમાત્ય તે પોતે અપૂર્વ સ્વામિનિષ્ઠ હોવાથી નન્દના નાશ માટે કોઇ કાળે પણ ઉદ્યુક્ત થવાનો નથી, તેથી તેને પોતાના પક્ષમાં લાવવાની આશા રાખવી અને મૃગજળથી તૃષા મટાડવાનો પ્રયત્ન કરવો એ સમાન જ છે - એથી ચાણક્યે અમાત્ય વિશેના વિચારને મનમાંથી કાઢી નાંખ્યો હતો. બે સમાન અધિકારીઓમાં સ્પર્ધાનો પ્રાદુર્ભાવ કરીને એકને બીજાથી વિરુદ્ધ કરવો, એ જ એક સહજ અને અમોઘ સાધન હતું. એટલે એ સાધનને મેળવવાની દીર્ધ દૃષ્ટિથી અને મુરાદેવીના પુત્રનો પક્ષ કરવાને સેનાપતિ સત્વર તૈયાર થશે, એ તે જાણતો હોવાથી તેણે ભાગુરાયણને જ વશ કરી લેવાનો યત્ન આદર્યો અને તેનો તે યત્ન કેટલે સુધી સિદ્ધ થયો, તે વાંચકો જાણી ચૂકેલા હોવાથી વધારે વિવેચનની કાંઈ પણ આવશ્યકતા નથી.
પોતાના પરાજય માટે પાટલિપુત્રમાં કેવા કેવા પ્રપંચોની રચના થતી હતી, તે અમાત્ય બિચારો જરાપણ જાણતો નહોતો. અમાત્ય જો કે ઘણો જ ચતુર અને સર્વદા સાવધ રહેનારો પુરુષ હતો, છતાં પણ ઘણા લાંબા સમયથી જેના શિરે કાંઈ પણ સંકટ આવેલું ન હોય, તેમાં સ્વાભાવિક રીતે કાંઇક અસાવધતા આવીને નિવાસ કરે છે જ. એવી જ રીતે રાક્ષસમાં પણ સાહજિકતાથી તે પોતે ન જાણી શકે તેવી રીતે અસાવધતાએ પોતાનું પ્રબળ પ્રવર્ત્તાવ્યું હતું. માત્ર તેના મનમાં ધનાનન્દના વર્તન માટેની જ ચિન્તા હતી. ધનાનન્દ રાજ્યવ્યવસ્થામાં ધ્યાન નહોતો રાખતો, એમાટે પણ તેને બહુ માઠું લાગતું નહોતું - પણ તે આઠે પહોર મુરાદેવીના મંદિરમાં વિલાસનો ઉપભેાગ લેતો ૫ડી રહે છે, એ વિચારથી તેને ઘણો જ ખેદ થતો હતો, કોઈ બીજા રાજા તરફથી સંકટ આવવાની તેને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ.
“જ્યાં સૂધી પુષ્પપુરીમાં રાક્ષસ અમાત્ય જીવતો છે, ત્યાં સૂધી કોઈ પરકીય રાજા આ નગરપ્રતિ વક્ર દૃષ્ટિ કરીને જોઈ શકે, એ સર્વથા અશક્ય છે.” એવો તેનો પૂર્ણ નિશ્ચય હતો. તેમ જ પોતે જાગૃત હોવા છતાં નગરમાં ને નગરમાં અથવા તો પોતાના જ રાજ્યમાં કોઈ માથું ઉંચકશે અથવા તો ઘરમાં જ કોઈ ક્લેશ જાગશે, એવી પણ તેની ધારણા હતી