નહિ. એવી સ્થિતિમાં સર્વથા ગુપ્તરીતે જ્યારે સુમતિકાએ તેને જણાવ્યું કે, “મુરાદેવી રાજાના પ્રાણનાશના પ્રયત્નમાં લાગેલી છે,” તે વેળાએ એની ચિત્તવૃતિમાં કેવો વિક્ષોભ જાગ્યો હશે, એની કલ્પના વાચકોએ જ કરી લેવી. એવામાં વળી તે રાજાને મળવા માટે ગયો અને તે વેળાએ રાજાએ જે વાતો કહી, તેથી તો એના સારી રીતે કાન ખુલી ગયા. પોતે રાજાને મુરાદેવીના કપટતંત્રવિશે જાગૃત કરવાને ગયો હતો, ત્યાં રાજાએ તો પોતાના સંશય બીજા વિશે જ જણાવ્યો, એવી દશા જોઈને તો તેને ઘણું જ આશ્ચર્ય થવા લાગ્યું; પરંતુ એ આશ્ચર્ય લાંબો વખત ટકી શક્યું નહિ. એના મનમાં બીજા જ વિચારો આવવા લાગ્યા. “પોતાના કપટને રાજા જાણી ન શકે, એ હેતુથી મુરાદેવી તો રાજાને ભમાવતી નહિ હોય ને ! અને પોતા વિશેનો સંશય બીજામાં જવાથી તેના વિશે રાજાના મનમાં તિરસ્કાર ઉત્પન્ન થાય અને પોતાનું ધાર્યું નિર્વિઘ્ને પાર પડે, એટલા માટે તો તે આવા પ્રયત્નો નહિ કરતી હોય ? જો એમ જ હોય તો તેના પ્રયત્નો ઘણે અંશે સફળ થઈ ચૂક્યા છે, એમ કહેવામાં કાંઈપણ હરકત જેવું નથી.” એવી ધારણાથી હવે એ કાર્યમાં તેણે વિશેષ ધ્યાન રાખવાની યેાજના કરી. બીજી કોઈ બાબતમાં અત્યારે ધ્યાન આપવાની એટલી બધી આવશ્યકતા હતી નહિ. ચન્દ્રગુપ્ત કોણ અને ક્યાંથી આવ્યો છે, એ વિશે જે તેના મનમાં શંકા હતી, તેનું નિરાકરણ તો થઈ ગયું હતું. તેથી “જો ચન્દ્રગુપ્ત આપણા રાજ્યમાં હશે, તો સુમાલ્યનો તે સારો સહાધ્યાયી થઈ પડશે. કિરાતરાજાએ આટલી બધી નમ્રતાથી જ્યારે મને લખેલું છે ત્યારે હવે એને દૂર કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી. એ ભલે રહ્યો. એની તપાસ કરવાનું કે એના પર નજર રાખવાનું પણ કશું કારણ નથી.” રાક્ષસે તેના વિશે એવો વિચાર કર્યો અને એ તરફ વધારે ધ્યાન રાખ્યું નહિ, વિરુદ્ધ પક્ષે “સુમાલ્ય અને ચન્દ્રગુપ્તનો મૈત્રી સંબંધ સંધાશે, તો ભવિષ્યમાં મ્લેચ્છ લોકોને દંડ દેવામાં એ ઘણો જ ઉપયોગી થઈ પડશે.” એવો નિશ્ચય થવાથી ચન્દ્રગુપ્તને છેડવાનું તો તેણે સર્વથા માંડી જ વાળ્યું. પરકીય શત્રુની તો તેને સ્વપ્નમાં પણ ભીતિ હતી નહિ. આસપાસનો કોઈ પણ રાજા કુસુમપુરને બુભુક્ષિત નેત્રોથી નિહાળી શકે, એટલું પણ તેમના માટે શક્ય હતું નહિ. અર્થાત્ રાક્ષસને જે કરવાનું હતું તે એટલું જ કે, રાજાને મુરાના મોહપાશમાંથી મુકત કરવો - એ કાર્ય માટે મથવાનો તેણે નિશ્ચય કર્યો.
અમુક એક નુકસાન થાય છે, એમ જણાતાં જ તેને અટકાવવા માટે કાંઈ પણ ઉપાય યોજવો જોઈએ, એવી ધારણા કરવી જેટલી