પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૯૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
ઇન્દ્રજાળ વિદ્યા.

સરળ છે, તેટલું એ ઉપાય શો યોજવો અને તેને અમલમાં કેવી રીતે લાવવો, એનું નિરાકરણ સરળ નથી. રાજાને સ્થાને જો પ્રજામાંનો બીજો કોઈ પુરુષ હોત, તો એટલી બધી વિડંબનાનું કારણ રહેત નહિ - તે પુરુષને તો એકદમ પકડી મગાવીને સારી રીતે ધમકાવ્યો અથવા તો ચાર દિવસ વગર ભાડાની કોટડીમાં મોકલી દીધો, એટલે પંચાતનો અંત આવી જાત; પરંતુ પ્રસ્તુત પ્રસંગે તેવા કોઈ ઉપાયની યોજના કરી શકાય તેમ હતું જ નહિ. એથી રાક્ષસ ઘણો જ ચિન્તામાં આવી પડ્યો હતો. મુરાદેવીમાં રાજા કેટલો બધો મોહી ગયો છે, એ તેણે સારી રીતે જોયું હતું. એથી તેણે રાજા૫ર મોહિની મંત્રનો પ્રયોગ કરેલો છે, તો તેને કાઢનાર પણ કોઇ તેવો જ જાદૂગર હોવો જોઈએ, એવા વિચારમાં રાક્ષસ બેઠો હતો. એટલામાં સુમતિકાના આગમનની ખબર આવી. તેને તેણે તત્કાળ અંદર બોલાવી. એ કાંઈ પણ નવી ખબર લઈ આવી હશે, એમ તેનું ધારવું હતું. સુમતિકા અંદર આવી અને રીતિ પ્રમાણે રાક્ષસને વંદન ઇત્યાદિ કાંઈ પણ ન કરતાં એકદમ ગભરાયેલા અવાજથી કહેવા લાગી કે, “આર્યશ્રેષ્ઠ ! મારું સંરક્ષણ કરો. મારો હવે કોઈ પણ આધાર નથી.”

સુમતિકાના ગભરાટનો અને તેની કાવરી બાવરી દૃષ્ટિનો રાક્ષસ કાંઈ પણ ભાવાર્થ સમજી શક્યો નહિ, પાછળ પડેલી વાઘણના નખપ્રહારથી પોતાનું રક્ષણ કરવા માટે વેલીના જાળમાં ફસાયલી હરિણી જેવી રીતે ઘણી જ ચકિત દૃષ્ટિથી અહીં તહીં જોતી રહે છે અને તેનો શ્વાસોચ્છવાસ ઉતાવળો ચાલે છે, તે પ્રમાણે જ સુમતિકાની આ વેળાએ દશા થએલી હતી. રાક્ષસ તેને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે, “સુમતિકાબાઈ ! આટલાં ગભરાઓ છો શા માટે ? શું થયું તે મને કહો તો ખરાં ? રાક્ષસના ગૃહમાં તમારો એક વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી.” તોપણ સુમતિકાના શરીરમાંનો કંપ બંધ થયો નહિ. ઘણોક વખત વીતી ગયો, પણ તેના મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળ્યો નહિ. એને સ્વસ્થતાથી બેસાડ્યા વિના એ ઉત્તર આપવાની નથી. એવા વિચારથી રાક્ષસે વધારે આગ્રહ ન કરતાં તેને જેમની તેમ બેસવા દીધી. પરંતુ તેના મનમાં “આટલા બધા ગભરાટનું કારણ શું હશે ? અને રક્ષણ કરો, એવો પોકાર એણે શા હેતુથી કર્યો હશે.” એવા પ્રશ્નો ઉદ્‌ભવ્યા કરતા હતા. પણ તેનો નિર્ણય એનાથી કરી ન શકાયો. થોડીવાર પછી શાંત થતાં સુમતિકા બોલી કે, “આર્યશ્રેષ્ઠ ! હવે મારા જીવવાની મને આશા નથી. મુરાદેવીના મંદિરની ગુપ્ત ખબરો તમને પહોંચાડવાનું કાર્ય મેં સ્વીકારેલું છે, એની મુરાદેવીને જાણ થઈ ગઈ છે એ ખબર તેને કોણે પહોંચાડી, તે તો