કાંઇ પણ ભયંકર ઘટના થવાની છે, એ તો મેં આ૫ને જણાવ્યું જ હતું અને આજે એ જણાવું છું કે, તે ઘટના આજકાલમાં જ બનવાની છે. મારાં એટલાં જ સારાં ભાગ્ય કે, હું એ ખબર આપને પહોંચાડી શકી.”
રાક્ષસ, સુમતિકાના એ ગોળગોળ ભાષણનો ભાવાર્થ પૂર્ણતાથી સમજી શક્યો નહિ. સુમતિકા આવી, ત્યારે “રક્ષા કરો - રક્ષા કરો.” એવા પોકાર કરતી આવી અને પાછળથી આ બધા ભેદ ફૂટી જવામાં , તેણે હિરણ્યગુપ્તને હેતુ રૂપ બતાવ્યો. ત્યાર પછી તેણે પુનઃ મુરાના મંદિરમાં જઈને પોતાના જીવને જોખમમાં નાંખવાનું પણ જણાવ્યું અને હવે જવાની આજ્ઞા આપી, ત્યારે તે જેમ કેાઈ ઉન્મત્ત મનુષ્ય હોય તેમ જવામાં આનાકાની કરે છે. ઇત્યાદિ બનાવેાનો વિચાર કરીને એમાં સત્ય વાર્તા શી છે? તે શોધી કાઢવાનો રાક્ષસે અતોનાત પ્રયત્ન કર્યો. પણ અંતે તેમાં નિષ્ફળ થવાથી મહાન ગંભીર વિચારસાગરના અનેક કલ્પનાતરંગોમાં તે તરવા લાગ્યો. તેના મનની સ્થિતિ ચલિત અને ભ્રમિષ્ટ બની ગઈ.
સુમતિકે ! ગમેતેમ થાય, તો પણ આ વેળાએ પોતાના રાજાના જીવના સંરક્ષણ માટે તારા જીવને તું જોખમમાં નાંખીશ, તો તેમાં તારું આલોક અને પરલોક ઉભયલોકમાં ભલું થશે. ગમે તેમ કર, પણ મુરાદેવીના મંદિરમાં શી શી ગુપ્ત વાર્તાઓ ચાલે છે, તે તું જાણીને મને જણાવ. મારી આજ્ઞાને અનુસરવામાં જરા પણ આનાકાની કરીશ નહિ. તારા પ્રાણની રક્ષામાટે હું સર્વ વ્યવસ્થા કરીશ; પરંતુ આ બીના અર્ધદગ્ધ ન રાખ - જા સત્વર અહીંથી જા.” પોતે આવો દુરદર્શી ચતુર પ્રધાન, અને સમસ્ત ત્રિભુવનનાં ગુપ્ત રહસ્યો જાણનારો તથા તે પ્રમાણે વ્યવસ્થા કરનારો હોવા છતાં આજે પોતાના રાજાના પ્રાણપર જ સંકટ આવે અને તેમાંથી તેને બચાવી ન શકાય, તેમ જ તે વિશેની માહિતી પણ મળી ન શકે, એ કેટલા ખેદનો વિષય કહેવાય? એવા એવા વિચારોથી વિષાદ પામીને અંતે અમાત્ય રાક્ષસે સુમતિકાને ઊપર કહ્યા પ્રમાણેની આજ્ઞા આપી. એના ઉત્તરમાં સુમતિકા કહેવા લાગી કે:-
“અમાત્યરાજ ! આપનો જયારે આટલો બધો આગ્રહ છે, ત્યારે ત્યાં ગયા વિના મારે છૂટકો નથી. પણ મને ત્યાંથી જે બાતમી મળશે, તે,