પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૯૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
અમાત્યે શું કર્યું ?

કહેવા માટે અહીં હું પાછી આવી શકીશ કે નહિ, એનો મને ભરોસો નથી. મુરાદેવીના મનમાં મારા વિશે પૂરેપૂરો સંશય આવી ગયો છે - પણ એ સંશય તે મોઢેથી બોલીને જાહેર કરવાની નથી; કિન્તુ મારા પર તેની દૃષ્ટિ પડતાં જ તે મને જીવતી દટાવી દેશે કે કોઈ અંધારી કોટડીમાં પૂરીને ગુંગળાવી મારી નાંખશે, એ તો નક્કી જ છે. માટે મારી એક નમ્ર પ્રાર્થના આપ સાંભળશો ? મારા જેવી એક દીન દાસી આપને ઉપદેશ તો ક્યાંથી આપી શકે? આ તો નાનું મોઢું ને મોટી વાત કર્યા જેવું જ થાય છે; પરંતુ હવે બીજો કોઈ ઉપાય ન હોવાથી હું સૂચવું છું કે, આપ પુનઃ કોઈ નિમિત્ત કાઢીને મહારાજાને મળવા જાઓ અને તેમને આ ભેદ ખુલ્લે ખુલ્લેા જણાવીને અથવા તો બીજી કોઈ યુક્તિથી તેમને મુરાદેવીના મંદિરમાંથી બીજે સ્થળે લઈ જાઓ. એ ઉપાય પણ જો આજે જ અથવા તો આવતી કાલે સંધ્યાકાળ સૂધીમાં થાય, તો જ વધારે સારું - તો જ મહારાજનો જીવ બચી શકશે. જો આવતી કાલની સંધ્યા વેળા વીતી ગઈ, તો પછી આપણા હાથમાં કશું પણ રહેવાનું નથી, એ ધ્યાનમાં રાખવું. મહારાજ જો મુરાદેવીના રંગમહાલયમાંથી નીકળી ગયા, તો જ તેમના પ્રાણ બચવાનો સંભવ છે; નહિ તો આપણા આ પાટલિપુત્ર નગરને સત્વર જ અનાથ થવાની વેળા આવેલી જાણવી. હવે હું બીજી તે શી સૂચના કરું ? આપની આજ્ઞા છે, તો હવે હું જઈને જો બીજા કાંઈ પણ સમાચાર મળે, તો તે મેળવવાની કોશીશ કરું છું. પણ હવે પાછી આવીને તે સમાચાર હું આપને જણાવી શકીશ, એવી મને તો આશા નથી. પછી તો જેવી પરમાત્માની ઇચ્છા અને જેવાં મારાં ભાગ્ય !!” સુમતિકાએ પૂર્ણ ચતુરતા અને પૂર્ણ સ્ત્રીચરિત્રથી એ વાક્યો ઉચ્ચાર્યા.

સુમતિકાના બોલવામાં રાક્ષસનું પૂરેપૂરું ધ્યાન હતું નહિ. તે એ પ્રમાણે બોલીને તત્કાળ ત્યાંથી ચાલતી જ થઈ ગઈ. જવામાટે તેણે અમાત્યની આજ્ઞા પણ લીધી નહિ. રાક્ષસનું મન અર્ધ પોતાના વિચારમાં અને અર્ધ સુમતિકાના ભાષણને સાંભળવામાં રોકાયેલું હતું એથી તે પોતાનું ભાષણ પૂરું કરીને ત્યાંથી ચાલતી થઈ, એનું પણ તેને થોડીવાર પછી જ જ્ઞાન થયું. પરંતુ જ્યારે તેણે જાણ્યું કે, સુમતિકા ગઈ ત્યારે તેણે આજ્ઞા ન લીધી તે માટે અમાત્યને ઘણું જ આશ્ચર્ય થયું. તેણે તત્કાળ દ્વારપાળને બોલાવીને પૂછ્યું, “સુમતિકા ગઈ કે શું?” એનું “હા” માં ઉત્તર મળતાં તેણે વધારે કાંઈ પણ પૂછ્યું નહિ અને પાછા પોતાના વિચારમાં તે નિમગ્ન થઈ ગયો. તેના વિચારોની પરંપરા નીચે પ્રમાણેની હતી;–