“નિષ્કંટક રાજ્યના નામથી પ્રસિદ્ધ થયેલા આ મગધરાજ્ય પર હવે
અવશ્ય કાંઈ પણ આપત્તિ આવવાનાં ચિન્હો જણાય છે. નંદવંશ શુદ્ધ
જ રહે, તેટલા માટે મેં શુદ્રી – વૃષલીને પટરાણી થવા દીધી નહિ - તેના
ઉદરમાંથી એક પુત્ર પણ જન્મ્યો - તેનો પણ એ વેલોમોડો સિંહાસને
બેસશે, એ સારું નહિ થાય, એવી ધારણાથી વધ કરાવી નાંખ્યો. તે જ
બાળકની માતા - તે જ વૃષલી આજે રાજાનો જીવ કે પ્રાણ થઈને બેઠેલી
છે અને હું પણ તેને નમાવવામાં અશક્ત થઈ પડ્યો છું. રાજાનું અને
મારું પરસ્પર લાંબો સમય ભાષણ થવું તો દૂર રહ્યું, પણ રાજાનાં દર્શનનો
લાભ પણ તે બીજાને થવા દેતી નથી. આટલું બધું થઈ ગએલું
હોવા છતાં પણ અદ્યાપિ એને માટે મારાથી કોઈ ઉપાયની યોજના કરી
નથી શકાતી; એ તો વળી વિલક્ષણ જ છે. પણ કરવું શું ? એક વાર
જેમ તેમ કરીને મહારાજાને મળ્યો તો ખરો, પણ તે શ્રમનું ફળ કાંઈ પણ
થયું નહિ. પણ હવે બીજી વાર મેળાપ થવા માટે શો ઉપાય કરવો?
મેળાપ થાય તો તો એ બધું ખુલ્લે ખુલ્લું જણાવીને તેમને સાવધ
રહેવાની પ્રાર્થના કરીશ. પણ પ્રથમ મેળાપ તો થવો જોઈએ ને ? મુખ્ય
અમાત્યને પણ જ્યાં રાજાના મેળાપનાં સાંસાં પડવા લાગ્યાં, ત્યાં હવે
રાજાના નાશના દિવસો જ પાસે આવી પહોંચ્યા છે, એમ જ કહી શકાય.
પરંતુ આપણે તો આપણું કર્તવ્ય બજાવવું જ જોઈએ.” એમ વિચાર
અમાત્ય રાક્ષસ ત્યાંથી ઉઠ્યો અને તત્કાળ એક પત્ર લખી તે
પોતાના એક અત્યન્ત વિશ્વાસુ મનુષ્ય દ્વારા મુરાદેવીના મંદિરમાં રાજાને
આપવા માટે તેણે મોકલી દીધો.
ચમત્કાર ગમે તેવો હોય, પણ રાક્ષસનું એ પત્ર આવતાં જ જાણે તેને મહારાજાના હાથમાં પહોંચાડવાની પૂર્વ વ્યવસ્થા જ કરી રાખી હોયની ! તેમ જ બન્યું. એ પત્ર તત્કાળ મહારાજાના હાથમાં ગયું. મુરાદેવી તો ત્યાં બેઠેલી જ હતી. મહારાજે એ પત્રને ઉખેડીને વાંચવાનો આરંભ કરતાં તેણે રાજાને કહ્યું કે, “એટલું બધું અગત્યનું એ પત્ર તે કોનું છે વારુ ?"
" અમાત્ય રાક્ષસનું.” રાજાએ ઉત્તર આપ્યું.
"અમાત્ય રાક્ષસનાં તો આજકાલ ઉપરા ઉપરી પત્રો આવવા લાગ્યાં છે ને શું તેમને પોતાને અહીં આવવાનો કંટાળો થવા માંડ્યો છે એમ જ આથી તો અનુમાન થાય છે. આપનો મારાપર પાછો સ્નેહ થયો, તો પણ એનો દ્વેષ ઓછો થતો નથી. મારા અન્તઃપુરમાં ન આવવું પડે તેટલા માટે જ આ યુક્તિ રચેલી હોય, એમ જણાય છે.” મુરાદેવીએ પોતાના કપટતંત્રનો ઉપક્રમ કરતાં કહ્યું.