પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૯૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
અમાત્યે શું કર્યું ?

બીજે સ્થળે લઈ જવાના પ્રયત્નો અવશ્ય તેઓ કરવાના જ, એ ખુલ્લું છે. માટે આપ એટલી જ સંભાળ રાખવાની કૃપા કરજો અને આપને રક્ષવાના પ્રયત્નમાં મારા પ્રાણ જશે, તો તેની પણ હું પરવા કરવાની નથી. આર્યપુત્ર ! આપ સુરક્ષિત છો, ત્યાં સૂધી જ મારા વૈભવો પણ રક્ષાયલા છે. ન કરે નારાયણ ને આપના જીવને કાંઈ પણ જોખમ લાગે તો મારી કેવી દુર્દશા થાય, તેની હું કલ્પના પણ કરી શકતી નથી. મને મારા શત્રુઓ જીવતી જ બાળી નાંખશે કે મારા માંસની ગીધો અને શૃંગાલોને ઉજાણી આપશે, એ અત્યારે કાંઈ પણ કહી શકાય નહિ.” મુરાદેવીએ કપટજાળનો વિસ્તાર કર્યો.

“મુરાદેવી ! આ તે તું શું બોલે છે ? આવો વિલક્ષણ અનુભવ પ્રત્યક્ષ મળેલો છતાં પણ હું અસાવધતાથી બીજે સ્થળે જાઉં, એમ બને ખરું કે? હું ક્યાંય પણ જનાર નથી. જેનામાં મારો સંશય છે, તેને અહીં બેાલાવીને હું ક્યારનું ય દેહાંતશાસન આપી ચૂક્યો હોત; પણ તારા કોમલ હૃદયે જ તેમાં વિલંબ કરાવ્યો છે. પણ હવે તારું શું કહેવું છે? એમ જ કે નહિ કે, અમાત્યને અહીં બોલાવીને તેની પ્રાર્થના સાંભળી લેવી? ઠીક છે – અરે કોણ છે રે ? અમાત્યનું માણસ આવેલું છે તેને કહે કે, અમાત્યને અહીં મોકલી આપે - હું અત્યારે મળી શકીશ.” રાજાએ મુરાદેવીની ઇચ્છા પ્રમાણે વર્તન કર્યું.

અમાત્યનો પત્ર લઈને આવેલો દૂત રાજાનો સંદેશો લઈને ચાલતો થયો. થોડા જ સમયમાં અમાત્યરાજની મુરાના મંદિરમાં પધરામણી થઈ મહારાજાએ તેનો યોગ્ય સત્કાર કર્યો અને ત્યારપછી તેને વ્યવસ્થાના કુશળ સમાચાર પૂછ્યા. એટલે રાક્ષસે તેનાં ઉચિત ઉત્તરો આપ્યાં અને ત્યારપછી કહ્યું કે, “મહારાજ ! આજ મારે એક વિજ્ઞપ્તિ કરવાની છે; પણ જો આપ તે કૃપા કરીને સાંભળો તો ?”

“હા હું સાંભળીશ. વ્યર્થ પ્રસ્તાવ કરવાની કાંઈ પણ આવશ્યકતા નથી. જે બોલવાનું હોય તે સંકોચ વગર બોલી નાંખો. જે કાર્યમાં મારી પોતાની જ આવશ્યકતા હશે, તે સાંભળવામાં હું રંચમાત્ર પણ વિલંબ કરનાર નથી. પરંતુ જે કાર્ય મારા વિના જ થઈ શકતું હોય, તેને માટે મને વૃથા શ્રમ આપશો નહિ. બેાલો - જે બોલવાનું હોય તે.” રાજાએ તેને બોલવાની તત્કાળ આજ્ઞા આપી.

“ મહારાજ !” આજ્ઞા મળતાં જ રાક્ષસે પોતાની પ્રાર્થનાનો પ્રારંભ કર્યો, “મારી એટલી જ વિનતિ છે કે, આપ હાલમાં રાજસભામાં બિલકુલ પધારતા નથી, રાજ્યકાર્યમાં લક્ષ આપતા નથી અને એવાં બીજાં કર્તવ્યેા