પણ કરતા નથી એટલે મગધદેશના શત્રુઓને એમ ભાસવા માંડ્યું છે કે, આ રાજ્યમાં હવે અંધાધુંધીની શરુઆત થઈ ચૂકી છે. આપણી પ્રજાનો પણ એવો જ અભિપ્રાય થએલો છે. માટે દરરોજ એક વાર તો પ્રજાજનોને દર્શન આપીને તેમનાં સુખદુ:ખની વાતો આપે સાંભળવી જ જોઇએ. આજ અને કાલનાં મુહૂર્તો ઘણાં જ ઉત્તમ છે - તેથી આજે કે કાલે જ્યારે આપની ઇચ્છા થાય ત્યારે આપ રાજસભામાં અથવા તેમ નહિ તો તે સભાગૃહમાંના પોતાના સિંહાસને બે ઘડી આવીને બેસવાની કૃપા કરશો, તો બધી વ્યવસ્થા પાછી જેમ હતી તેમ થઈ જશે.”
રાક્ષસને અંતસ્થ હેતુ એવો હતો કે, મહારાજ ધનાનન્દને કોઈ પણ ઉપાયે થોડા સમયને માટે એક બે દિવસમાં મુરાદેવીના મંદિરમાંથી બહાર કાઢવો, એટલે પછીની બધી વ્યવસ્થા પોતાની મેળે જ ઠીક થઈ રહેશે, એ હેતુથી જ તેણે આ નિમિત્ત કાઢ્યું હતું. એ સાધ્ય થયું તો તો સારું, નહિ તો બીજી યુક્તિ કરવાનો તેનો મનોભાવ હતો. પણ રાજાને એક વાર રાજસભામાં લાવ્યા, એટલે તેને જે કહેવાનું હશે, તે સારી રીતે કહી શકાશે એમ પણ તેને ભાસ્યું. રાજાએ તેનું ભાષણ સાંભળતાં જ હાસ્ય કર્યું અને કહ્યું કે, “હું મારા રાજ્યકાર્યનો સઘળો ભાર તમારા અને સુમાલ્યના શિરે નાંખીને અહીં વિશ્રાંતિ લેવાને રહેલો છું, એ તમે જાણો છો, છતાં આવી નજીવી બાબતો માટે મને નકામો ત્રાસ આપવાને નીકળ્યા છો, એને તે શું કહેવું ? મેં તમને હજાર વાર કહેલું છે કે, જો એવું કોઇ મહત્ત્વનું કાર્ય હોય તો જ મને કહેજો, નહિ તો તમે પોતે જ સાધારણ કાર્યોની વ્યવસ્થા કરી લેજો. આપની ઇચ્છા પ્રમાણે દરરોજ આવીને રાજસભામાં બેસવાનું મારાથી બની શકે તેમ નથી. હું તો હાલમાં શાંતિનો જ ઉપભોગ લેવાની ઇચ્છા રાખું છું.
“મહારાજ ! આપ શાંતિનો ઉપભેાગ લેવાની ઇચ્છા રાખો છો, તે આ આપનો સેવક સારી રીતે જાણે છે. શાંતિનો ઉપભેાગ ભલે લ્યો; પરંતુ દિવસમાં એક વાર કૃપા કરીને માત્ર બે ઘટિકા જ રાજસભામાં પધારો, તો બહુ જ સારું. હું ખાસ વિજ્ઞપ્તિ કરવાને આવ્યો છું, તે કાંઈ કારણ વિના તો નહિ જ હોય. જો રોજ આવવાનું ન જ બની શકે, તો કેવળ કાલનો દિવસ તો પધારો.” અમાત્યે કહ્યું.
“અમાત્યશ્રેષ્ઠ ! જયારે તમારો ઘણો જ આગ્રહ છે, તો હું આવતી કાલે રાજસભામાં આવવાનો વિચાર કરીશ; પરંતુ દરરોજ અને વારંવાર મારાથી આવવાનું બની શકશે નહિ. હું મુરાદેવીને પૂછીને મારો વિચાર તમને કહી મોકલીશ.” રાજાએ પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો.