એટલામાં પડદાપાછળ બેઠેલી મુરાદેવી મોટેથી કહેવા લાગી કે, “રાજ્યકાર્યમાં મારાથી વચમાં આવી શકાય તેમ નથી. દરરોજ આપને રાજસભામાં જવામાટે મેં કેટલીવાર આગ્રહ કર્યો છે - પણ આપ માનતા નથી, તેને હું શું કરું - મારો શો ઉપાય ?”
એટલે રાજા હસીને કહેવા લાગ્યા કે, “અમાત્ય ! અનુમોદન તો મળી ચૂક્યું. હવે હું અવશ્ય આવતી કાલે રાજસભામાં આવીશ.”
રાજાના એ ઉત્તરથી અમાત્યના અંત:કરણમાં ઘણો જ આનન્દ થયો; પરંતુ બીજે દિવસે રાક્ષસનો એ આનંદ કાયમ રહ્યો કે તેનું સ્થાન શોકે લીધું, એ હવે પછી જાણવામાં આવશે.
પોતાની પ્રાર્થનાને માન આપીને રાજાએ આવતીકાલે રાજસભામાં આવવાનું કબૂલ કર્યું એથી અમાત્ય રાક્ષસના મનમાં ઘણો જ આનન્દ થયો. રાજા ધનાનન્દ એકવાર મુરાદેવીના અંત:પુરમાંથી બહાર નીકળે અને ક્ષણમાત્ર પણ તેનાથી એકાંતમાં વાતચિત થાય, તો તેને પોતાની વક્તૃત્વ શક્તિનો પ્રભાવ બતાવીને તથા તેના સમક્ષ અનેક મહત્ત્વનાં કાર્યો રજૂ કરીને ઘણોક સમય તેને પાછા મુરાદેવીના મંદિરમાં જવા દેવો નહિ અને જ્યાં સૂધી તે દૂર રહે ત્યાં સૂધીમાં મુરાદેવીના કાવત્રાંની વાતો તેને કાને નાંખી તે ત્યાં જાય જ નહિ, એવી વ્યવસ્થા કરવાનો રાક્ષસનો મનોભાવ હતો. રાજાએ રાજસભામાં આવવાનું કબૂલ કર્યું, એ જાણે પોતાનું અર્ધો અર્ધ કાર્ય થયું, એવી માનીનતાથી તેને ઘણો જ ઉલ્લાસ થયો. તેને પોતે જાણે એક મહાભારત કાર્ય કરી નાંખ્યું હોય, એમ ભાસવા લાગ્યું.
રાક્ષસના ઊઠી ગયા પછી મુરાદેવી હસતી હસતી અને કટાક્ષપાત કરતી રાજા પાસે આવી અને કહેવા લાગી કે, “જોયો આ ચમત્કાર. આપના બોલવાથી કોઈ એવું જ અનુમાન કરે કે, હું જ તમને અહીંથી બહાર જવા નથી દેતી. રાજ્યકાર્યની વ્યવસ્થા માટે પણ આપે બહાર ન જવું, એમ મેં ક્યારે કહ્યું છે? છતાં પણ લોકોનો એવો અભિપ્રાય બંધાય છે અને તેઓ તેમ ખુલ્લી રીતે બેાલે છે પણ ખરા, એમ મારે કાને આવેલું છે.”
“લોકો અસત્ય અભિપ્રાય બાંધીને અસત્ય શા માટે બોલતા હશે!” રાજાએ ઘણા જ પ્રેમથી મુરાદેવીના સુંદર અને કેતકીવર્ણ કપોલને અંગુલી પ્રહાર કરવા સાથે હાસ્ય કરીને કહ્યું.