પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
મુરાદેવીનું કારસ્થાન.


“હવે મૂંગી મરને! હજી કેટલુંક બોલીશ?” મુરાદેવી ગુપ્તરીતે રાજાપ્રતિ નેત્રકટાક્ષ ફેંકીને અને તર્જનીને નાસિકાપર રાખી, દાસીને કહેવા લાગી, એટલે તે બહુબોલી દાસી પાછી કહેવા લાગી, “હું તો મૂંગી મરીશ; પણ આપના આ ક્ષણે ક્ષણે પીળા પડતા જતા ગાલો અને શરીરમાં આવતું આલસ્ય, અને વધારે કહીએ તો......... એ સર્વ ચિન્હો મહારાજાને એ વાત કહી નહિ દે કે ?”

“ઊભી રહે - રાંડ ! ચામઠી ! હું તારી જીભ જ તાળવેથી ચૂંટી કાઢું છું.”

એમ કહીને મુરાદેવી કૃત્રિમ કોપથી સુમતિકાને મારવાને દોડી. એટલે મહારાજાએ તેને અટકાવીને કહ્યું કે, “સુમતિકે ! આ તમારી વાત શી છે? મારાથી મુરાદેવી શું છૂપાવવા માગે છે ?”

“મહારાજ !” સુમતિકા ઘણા જ આનંદ અને પ્રેમના આવિર્ભાવથી કહેવા લાગી કે, “અમે ગમે તેટલું પણ છૂપાવીએ, તો પણ દેવી અન્તે વીરપ્રસૂ થનારાં છે, એ વાત કેટલા દિવસ છૂપી રહેશે વારુ?”

દાસીનું એ ભાષણ સાંભળતાં જ મહારાજને ઘણો જ વિસ્મય અને આનંદ થયો. તે એકાએક બોલી ઊઠ્યો કે, “સુમતિકા શું તું કહે છે તે ખરું છે ? દેવી ખરેખર વીરપ્રસૂ - વીરપુત્રને જન્મ આપનારી થવાની છે ? આજે તો તેં મને ઘણા જ સારા સમાચાર સંભળાવ્યા ! આ સમાચાર – વધાઈનું તને ઈનામ શું આપું !” એમ કહીને તેણે મુરાદેવી પ્રતિ દૃષ્ટિ કરીને જોયું. મુરાદેવીનાં નેત્રોમાંથી અશ્રુનું વહન થતું તેને દેખાયું, તેથી રાજા તેને પૂછવા લાગ્યો કે, “પ્રિયા મુરે ! તું વીરપ્રસૂ થનારી છે, એ સાંભળીને મને આનંદ થાય છે, ત્યારે તને આટલો બધો ખેદ શા માટે થાય છે વારુ ? આ પ્રસંગ ઉત્સવ કરવાનો છે કે શોક કરવાનો ?”

પરંતુ મુરાદેવીએ એનું કાંઇ પણ ઉત્તર આપ્યું નહિ. તેનાં નેત્રોમાંથી એક સમાન અશ્રુ પ્રવાહ ચાલ્યો જ જતો હતો, અને તેને તે પોતાની સાડીના પલ્લવથી લૂછતી જતી હતી. જેમ જેમ અશ્રુનો પ્રવાહ વધારે અને વધારે વધતો ગયો, તેમ તેમ રાજાનું મન પણ વધારે અને વધારે ખિન્ન થવા લાગ્યું અને મુરાના શોકને શમાવવા માટે તે અનેક પ્રયત્નો કરવા લાગ્યો, “પ્રિયે ! પોતાના વીરપ્રસૂ થવાના સમાચાર બીજાના મુખે સાંભળતાં જ તું આમ રડવા કેમ લાગી ? તારા હૃદયમાં એવી તે શી દુઃખદ ભાવના થઈ આવી ? મને તે જણાવ - મનમાં જરા પણ સંકોચ ન રાખતાં જે હોય તે કહી દે. જ્યાં સૂધી તું એનું કારણ નહિ જણાવે, ત્યાં સૂધી કોઈ પ્રકારે મારા મનનું સમાધાન