પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
મુરાદેવીનું કારસ્થાન.

રાણીને આશ્વાસન આપતાં કહ્યું કે, “પ્રિયતમે ! મુરે ! આ શું કહેવાય? જે વાત બની ગઈ છે, તે વિસરી જવાનો તારો અને મારો ઠરાવ હતો કે નહિ? ત્યારે હવે વ્યર્થ અા શોકનો આરંભ શા માટે કર્યો છે? ખરું પૂછે, તો હવે એવા શોકનું કાંઈ પણ કારણ નથી.”

“આર્ય પુત્ર ! કારણ નથી, એમ કેમ કહો છો વારુ? જેવી રીતે પૂર્વે પ્રસંગ આવ્યો હતો, તેવો જ પ્રસંગ આજે પણ આવી પહોંચ્યો છે. આપ આવતી કાલે તો અહીંથી પધારવાના. અમાત્ય રાક્ષસનાં ક૫ટતંત્રો કાંઈ મારાથી અજાણ્યાં નથી. આપને ગમે તે કારણ બતાવીને ચાર ઘડી મારાથી દૂર કરવા અને ત્યાં એકાંતમાં આપને આડું અવળું સમઝાવીને મારા મંદિરમાં પાછા આવવા દેવા નહિ, એવો જ એનો નિશ્વય હોય એમ દેખાય છે. આપ અહીં જ વસો છો અને જ્યારે એ આવે છે, ત્યારે હું માત્ર ચાર પગલાં જ દૂર રહું છું, એટલે એનાથી મન મોકળું કરીને કાંઈ પણ ગુપ્ત વાર્તા કરી નથી શકાતી; પરંતુ એકવાર આપ મારાથી દૂર થયા, એટલે પછી થઈ રહ્યું ! આપને ગમે તેમ સમજાવીને મારાવિશે આપનું મન કલુષિત કરવાનો જોઈએ તેટલો સમય મળશે. એટલે હવે કહો કે, હું રડું નહિ, તો બીજું શું કરું? આપ મારાથી દૂર ગયા, એટલે પછી મારી કેવી દુર્દશા થશે, તે તો પરમાત્મા જાણે ! સોળ સત્તર વર્ષ પહેલાંનો બનાવ આજે પાછો આવીને મારાં નેત્રો સમક્ષ ચિત્રરૂપે ઊભો રહ્યો છે ! હે જગદીશ્વર! મને તેં આ જગતમાં જન્મ જ શામાટે દીધો ! અને જન્મ આપ્યો તો મારી કુક્ષાથી બીજાં બાળકોને શામાટે ઉપજાવે છે ? અરે રે નિર્દોષ અર્ભકોનો ઘાત થાય છે અને આ અભાગિની માતા બાલઘાતીની ગણાય છે - ઓ દયાળુ પરમાત્મન્ ! મને હવે જલ્દી બોલાવી લે !!”

એવા દુઃખેાદ્દગાર કાઢીને મુરાદેવી અપરંપાર શોક કરવા લાગી. હવે એનું સમાધાન કેવી રીતે કરવું, એ રાજાને સૂજ્યું નહિ, અંતે વળી પણ તે કહેવા લાગ્યો કે, “ત્યારે હું રાજસભામાં જઈશ જ નહિ, પછી તો કાંઈ નથીને? જો કાંઈ અગત્યનું કાર્ય હશે, તો તેનો નિર્ણય અહીં જ સભા ભરીને કરીશું. બસ એ જ નિશ્ચય !”

“ના-ના-ના.” મુરાદેવી શોકને શમાવી નેત્રો લૂછીને કહેવા લાગી, “એમ કરવું ઉચિત નથી. ઠરાવ પ્રમાણે આપ રાજસભામાં ભલે પધારો પણ પાછા અહીં આવવાનું સ્મરણ રાખજો. પણ એ પીટ્યો રાક્ષસ આપને કારાગૃહમાં તો નહિ નાંખે, એવા સંશયથી મારું તો આખું શરીર કંપાયમાન થઈ જાય છે.” મુરાએ પાછી ચિણગારી મૂકી.