પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


મુરાદેવીને પોતાના સંયોગથી પુનઃ પુત્ર થવાના સમાચાર સાંભળી રાજાને ઘણો જ આનંદ થયો અને તેથી મુરા વિશેના તેના પ્રેમમાં એકાએક વૃદ્ધિ થઈ ગઈ. રાજા વારંવાર મુરાને એ વિશે ભિન્ન ભિન્ન પ્રશ્નો પૂછ્યા કરતો હતો. જયારે મુરાદેવીને પોતાની ઇચ્છા જણાવવા માટે ઘણો જ આગ્રહ કર્યો, ત્યારે મુરાદેવી તેને ઉદ્દેશીને ઘણી જ નમ્રતાથી કહેવા લાગી કે, “આપનો પ્રેમ મારામાં અખંડિત રહે અને મારો પુત્ર આપના અંકમાં રમતો હોય, તે જોવાનો મને પ્રસંગ મળે, એટલે મારી બધી ઇચ્છાઓ ! તૃપ્ત થઈ, એમ ધારવું.” એથી રાજા ધણો જ પ્રસન્ન થયો. એવી રીતે વાતચિત કરતાં કરતાં રાજાનાં નેત્રો લાગી ગયાં – તે નિદ્રાવશ થયો – એ નિદ્રા તેને સહજ સ્વભાવે આવેલી હતી કે કેમ, તે અત્યારે કહેવું જરાક કઠિન છે.

રાજા નિદ્રાવશ થતાં જ મુરાદેવી અને સુમતિકા ઉભય હાસ્ય કરીને એક ધ્યાનથી પરસ્પર એક બીજાના મુખને જોવા લાગી, કોઈ મનુષ્યને પોતાના કપટજાળમાં ફસાવવાનો કોઈ બે જણે મળીને પ્રયત્ન કર્યો હોય અને તે સફળ થયો હોય, તો તે સફળતાના આનંદ અને અભિમાનથી તે બન્ને એક બીજાને જોઈ રહેવાનો ધર્મ સ્વાભાવિક છે – એ નિયમને અનુસરીને જ એમણે પણ એક બીજાના મુખને જોઈ રહેવાનો વ્યાપાર ચલાવ્યો હતો. થોડીક વાર રહીને મુરાદેવી સુમતિકાને સંબોધીને કહેવા લાગી કે, “સુમતિકે ! તું જો મને આવી રીતે સહાયતા ન આપત, તો મારો સર્વ વ્યુહ ક્યારનોય નષ્ટપ્રાય થઈ ગયો હોત ! વૃન્દમાલા તો બિચારી ગાંડી અને ભોળી ભટાક છે, એને આ મારાં કારસ્થાનો જરા પણ ગમતાં નથી. છતાં પણ મારા માટે તેના મનમાં પ્રેમ તો જેવો ને તેવો જ છે, તેથી મારા રહસ્યનો તે ક્યાંય સ્ફોટ કરે તેમ તો નથી જ. આઠ પંદર દિવસમાં તે બુદ્ધધર્મની દીક્ષા લઈને યોગિની બનવાની છે. એનો સઘળો આધાર પેલા બુદ્ધભિક્ષુ અને યતિઉપર જ છે. એ તો ઠીક, પણ આર્ય ચાણક્ય ક્યારે આવશે વારૂ ? હવે તે આવવા તો જોઈએ.”

એ શબ્દો તેના મુખમાંથી નીકળ્યા ન નીકળ્યા કે દાસીએ આવીને તેને આર્ય ચાણક્યના આગમનના સમાચાર કહી સંભળાવ્યા. એથી મુરાદેવીના હૃદયમાં આનંદનો પાર રહ્યો નહિ.

આર્ય ચાણક્ય હવે મુરાદેવીને મુખ્ય ઉપદેષ્ટા - ગુરુશ્રેષ્ઠા થયો હતો. સુમતિકા એ બન્નેના પરસ્પર સંદેશા એક બીજાને જણાવવાનું કાર્ય કરતી હતી. અર્થાત્ સુમતિકા પણ આર્ય ચાણક્યની અત્યંત એકનિષ્ઠ ભક્તા થએલી હતી. આર્ય ચાણક્યે આજ્ઞા કરી, એટલે પછી તે સારી હોય કે