નઠારી, પણ સુમતિકાને તો શિરસાવંદ્ય જ થવાની ! એ આજ્ઞાનું પાલન કરવું કે ન કરવું, એવો પ્રશ્ન જ કોઈકાળે તેના મનમાં થતો નહોતો. એટલે ચાણક્યને જોતાં જ બન્નેને સ્વાભાવિક આનંદ થયો. ચાણક્યને જ્યાં બેસવાનું કહેલું હતું, ત્યાં જઈને મુરાદેવી તેને કહેવા લાગી કે, “આર્યશ્રેષ્ઠ ! અમે આપની જ વાટ જોતાં બેઠાં હતાં - આપ આવ્યા તે ઠીક જ થયું. સુમતિકા રાક્ષસને આડું અવળું સમજાવીને બીજીવાર પણ અહીં લઈ આવી હતી. તેણે મહારાજને કોઈપણ પ્રયત્ને અહીંથી બહાર કાઢવાના હેતુથી આવતી કાલે સભામાં પધારીને પ્રજાને દર્શન આપવાનો આગ્રહ કરેલો છે. મહારાજ પ્રથમ તો હા-હા-ને ના ના કરતા હતા - મને છોડીને જવું તેમને સારું લાગતું નહોતું, પરંતુ મેં જ જ્યારે વચમાં બોલીને તેમના ત્યાં પધારવાનું રાક્ષસને અભિવચન અપાવ્યું, ત્યારે જ રાજાએ હા પાડી. એ કાર્ય કરીને મેં આપને સંદેશો કહાવ્યો હતો. કેમ હવે પછી કરવા ધારેલા કાર્યની બધી તૈયારી તો આપે કરી રાખી છે ને ?”
“હા – સર્વ તૈયાર છે. કરી રાખી છે એટલે શું ? રાક્ષસના મિત્ર ચન્દનદાસનું ગૃહ રાજમહાલયના નિકટમાં જ છે. તેના ગૃહમાંથી રાજમંદિરના દ્વાર પર્યન્ત એક ભોયરું ખોદીને દ્વારમાં કૃત્રિમ તોરણ બાંધેલું છે. દારુકર્મા નામના એક કુશળ શિલ્પશાસ્ત્રીની એ કાર્ય માટે યોજના કરેલી છે. ત્યાં શું કરવાનું છે, તે બધું મેં દારુકર્માને કહી રાખ્યું છે. ઉપરાંત એ તોરણના નીચેના ભાગમાં પણ સર્વ યથાસ્થિત તૈયારી કરી રાખેલી છે. હવે એમાં કાંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી, સર્વ કાર્ય જેવી રીતે થવું જોઈએ તેવી રીતે થશે અને આપણા કાર્યની નિર્વિઘ્ને સિદ્ધિ થશે, એની ચિન્તા રાખીશ નહિ.” ચાણક્યે કહ્યું.
“ગુરુશ્રેષ્ઠ! આપ જે કાંઈપણ કરશો, તેમાં કદાપિ ન્યૂનતા આવવાની નથી, એ શું હું નથી જાણતી? મારે એની ચિન્તા શામાટે રાખવી જોઈએ વારુ ? પણ જે કાર્યનો આપણે આરંભ કરેલો છે, તે નિર્વિઘ્નને પાર પડે તો તો ઠીક, નહિ તો પરિણામ સારું નહિ આવે – જો એમાં કાંઈ પણ વિઘ્ન આવ્યું અને આપણા કારસ્થાનો ઉઘાડાં પડી ગયાં, તો પછી આપણા પ્રાણ બચવા અશક્ય છે!” મુરાદેવીએ પોતાનો મનોભાવ વ્યકત કર્યો.
“વત્સે મુરાદેવી ! આ ચાણક્યે જે વ્યૂહની રચના કરેલી હોય, તેમાં કોઈ કાળે પણ વિઘ્ન આવવાનું નથી, એ તારે નિશ્ચિંત માની લેવું, અર્થાત્ એ વ્યૂહને તારે સિદ્ધ થએલો જ સમજવો. દારુકર્મા ઘણો જ કુશળ શિલ્પશાસ્ત્રી હોવાથી તેને આ કાર્યમાં યોજવા માટે મેં ચન્દનદાસના મિત્ર