પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
મુરાદેવીનું કારસ્થાન.

ભૂરિવસુની સહાયતા લીધી છે. ભૂરિવસુ સર્વથા મારા વશમાં છે અને તેને લીધે ચન્દનદાસ પણ મારે આધીન થઈ ગયો છે. ચન્દનદાસ રાક્ષસનો મોટો સ્નેહી છે; તેથી દારુકર્માના હસ્તે રાજદ્વાર પાસે શું દારુણ કર્મ કરાવવાનું છે, એની મેં ચન્દનદાસને જરા જેટલી પણ ખબર પડવા દીધી નથી: અર્થાત્ આપણા ભેદોનો ઘડો ફૂટી જવાનો બિલકુલ સંભવ નથી. દારુ પૂરતી રીતે ભરી રાખેલો છે અને તેના બે ધડાકા થાય, તેવી વ્યવસ્થા કરેલી છે. જો બન્ને બાર સફળતાથી છૂટ્યા, તો સમસ્ત નંદવંશનો નાશ થયો જ જાણી લેવો. પછી બીજાઓ માટે પાછળથી જે યોજના કરવાની હશે, તે આપણે કરીશું. આવતી કાલે ધનાનન્દ પોતાના કુળસહિત અથવા તો એકલો અવશ્ય નષ્ટ થવાનો જ, એમાં રંચમાત્ર પણ શંકા જેવું નથી.” એમ કહીને આર્ય ચાણકય સ્વસ્થ બેઠો. મુરાદેવી એ સાંભળીને કિંચિત્ ચિંતાતુર થઈ ગઈ અને ધીમેથી કહેવા લાગી કે, “ઠીક, પણ ગુરુવર્ય ! મહારાજાનો ઘાત ન થતાં બીજા બધાનોને નાશ થઈ જાય, એવી યોજના કરી શકાય તેમ નથી કે ? જો કાળમુખા સુમાલ્યનો નાશ નહિ થાય અને મહારાજનો જ ઘાત થશે, તો સુમાલ્યના નામે રાક્ષસ રાજ્યકાર્યભાર ચલાવવા માંડશે અને મહારાજાના મૃત્યુનું કારણ શોધી કાઢશે. જો એમ થયું તો આપણી દુર્દશા કેવી થશે, એની હું કલ્પના પણ કરી નથી શકતી !” મુરાદેવીના એ વિચારો સાંભળીને ચાણક્ય ખડખડ હસવા લાગ્યા અને શાંત મુદ્રાથી તેને સમજાવતો કહેવા લાગ્યો કે;–

“મુરાદેવિ! હું તને અત્યારસુધી મોટી કાર્યદક્ષ અને નીતિશાસ્ત્રને જાણવાવાળી ધારતો હતો; પરંતુ હવે તો મને તારી બુદ્ધિ પણ બીજી સાધારણ સ્ત્રીઓ પ્રમાણે જ કટાયલી દેખાય છે. પુત્રિ ! ધનાનન્દનો નાશ રાક્ષસે જ કરાવ્યો, તેણે જ દારુકર્મોને ઉશ્કેરીને બધી યુક્તિ રચી, એવા પ્રકારની અફવા લોકોમાં ફેલાવવાની તજવીજ કીધા વિના હું રહીશ ખરો કે? એની કેટલીક વ્યવસ્થા તો હું કરી પણ ચૂક્યો છું. જો રાજા ધનાનન્દ મરશે, તો જે કાંઈ પણ કારસ્થાન થયું, તે રાક્ષસે જ કરાવ્યું અને રાજ્યકાર્યભારના લોભથી એ અમાત્યે જ રાજાનો નાશ કર્યો, એવો અપવાદ સર્વત્ર પ્રસરી જશે. એને માટે જવાબદાર હું છું. પ્રત્યેક મનુષ્ય એમ જ કહેતો સાંભળવામાં આવશે, કે આગ્રહ કરીને રાક્ષસે જ રાજાને રાજસભામાં બોલાવ્યો અને પોતાના મિત્ર ચન્દનદાસના ગૃહમાં ભોયરું ખોદીને રાજદ્વાર પાસે તોરણ બંધાવ્યું - એમાં રાક્ષસનો રાજાને મારવાનો જ હેતુ હતો. એ સર્વ નિર્વિઘ્નને પાર પાડ્યું, એટલે તારા ભત્રીજા ચંદ્રગુપ્તને આગળ કરી તેને સિંહાસને બેસાડીને તારી પ્રતિજ્ઞાની