પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
ચિત્તની ચંચળતા.

આવ્યું છે, એવી તેની ધારણા થએલી હતી. અર્થાત્ એથી જ ચાણક્યનું વર્ચસ્વ મુરાના મનમાં વિશેષ અને વિશેષ થવા લાગ્યું. એવામાં વળી અત્યારે તેની ઇચ્છાને પાર પાડવાનો પ્રસંગ તેણે ઘણો જ પાસે આવેલો દેખાડ્યો, એટલે તો મુરાને હવે સ્વર્ગ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થવા લાગ્યું. ચાણક્યના ગયા પછી થોડીકવાર અહીં તહીં ફરીને તે શયનગૃહમાં ચાલી ગઈ. રાજા ધનાનન્દ અદ્યાપિ કોણ જાણે શાથી, પણ ઘોર નિદ્રામાં પડેલો હતો. મુરાદેવી પણ તેની બાજૂમાં પેલી તરફ સૂઈ ગઈ; પરંતુ તેના મનમાંની સ્વસ્થતા આ ક્ષણે જતી રહી હતી. આર્ય ચાણક્યે રાજાના વધની કરેલી સધળી તૈયારીઓનું તે અખંડ ચિંતન કરવા લાગી, અને તેવામાં તેના મનમાં “જો આજે મારો પુત્ર જીવતો હોત, - જો રાજાએ બીજાંની વાત સાંભળી મારામાં અવિશ્વાસ લાવીને મારા ચિરંજીવીનો ઘાત કરાવ્યો ન હોત, તો આજે રાજાને પોતાનો નાશ થવાનો પ્રસંગ શાને આવ્યો હોત? આજે સુમાલ્યને સ્થાને મારો સુત જ સિંહાસને વિરાજેલો હોત!” એવા પણ કેટલાક વિચારો તેના મનના માર્ગમાંથી વાયુવેગે પસાર થઇ જતા હતા.

એટલામાં રાજા ધનાનન્દ કાંઈક બોલે છે, એવો તેને ભાસ થયો; તેથી તે ધ્યાનપૂર્વક સાંભળવા લાગી. જે શબ્દો તેને સંભળાયા, તે આ પ્રમાણે હતાઃ- “પ્રિયે – મુરે ! હું તને કેટલીવાર કહું? હવે કૃપા કરીને મારા હસ્તે થએલા કુકૃત્યનું મને સ્મરણ ન કરાવ. જો એકવાર મને એવી ખબર મળે કે, તે તારો પુત્ર જીવતો છે અને અમુક સ્થાને વસે છે, તો તેને ત્યાંથી બોલાવીને હું તત્કાળ તેનો યૌવરાજ્યાભિષેક કરીશ, પણ તેનું સ્મરણ કરીને હવે તું મારા પર કોપ ન કર. હવે હું તારી આજ્ઞાથી તિલમાત્ર પણ બહાર જવાનો નથી. ક્ષમા કર…..…................" એ શબ્દો સ્પષ્ટતાથી તેના સાંભળવામાં આવ્યા. એનાથી વધારે તે કાંઈ પણ સાંભળી શકી નહિ. એ શબ્દ રાજાએ આજે પહેલી જ વાર ઉચ્ચાર્યા હતા અને તે મુરાદેવીના સાંભળવામાં આવ્યા હતા, એમ નહોતું. તેણે રાજાના મુખમાંથી નીકળેલા એવા શબ્દો અનેકવાર સાંભળ્યા હતા. પરંતુ આજે ચમત્કાર એ થયો, કે આજના એ શબ્દોનું મુરાના મનમાં કાંઈક વિચિત્ર અને અકલ્પ્ય પરિણામ થયું.”રાજાનાં ધ્યાન, મન અને સ્વપ્નમાં પણ નિરંતર મારો જ નિવાસ છે, જે બની ગયું છે, તેને ન સંભારવાનો એણે અનેકવાર આગ્રહ કરેલો છે; પરંતુ આજે ગાઢ નિદ્રામાં સ્વપ્નમાં પણ એ મારી ક્ષમા યાચે છે;-ત્યારે એને મારામાં કેટલો બધો નિષ્કપટ પ્રેમ હોવો જોઇએ!” એવા વિચારથી મુરાના મનની સર્વથા ચમત્કારિક સ્થિતિ થઈ ગઈ. “મેં