કારાગૃહમાંથી બંધનમુક્ત થતાં જ શી શી યુક્તિઓ કરી અને રાજાનું મન પાછું મારા તરફ વાળી લીધું – એને સર્વથા મારા વિશ્વાસમાં લઈ લીધો - એ તો જાણે ઠીક. પણ હવે જે હું કરું છું, તે સારું છે કે શું? સ્વપ્નમાં પણ મારા વિષે એના મનમાં કપટભાવના નથી - સ્વપ્નમાં પણ મને એ ભવિષ્યમાં ત્રાસ ન આપવાનું આશ્વાસન આપે છે ! ત્યારે હું એનો ઘાત કરવાને તૈયાર થએલી છું ! એ નિત્ય એકવાર તો અવશ્ય મારી ક્ષમા માગે છે જ, એવા પતિને મારા હાથે જ હું કાળના મુખમાં હડસેલું, એ શું યોગ્ય છે?” એવા પ્રકારના પ્રશ્નો તેના મનમાં ઉદ્દભવતાં તેનું ચિત્ત ચંચળ થવા લાગ્યું. ગત પ્રકરણના અંતમાં જણાવ્યા પ્રમાણે તેના મનની નૈસર્ગિક કોમળતા જાગૃત થઈ અને તે એકાએક શય્યામાં બેઠી થઇને કાવરી બાવરી મુખમુદ્રાથી આસપાસ નજર કરીને જોવા લાગી. આવતી કાલે જે ભયંકર કાવત્રું થવાનું હતું, તે તેના નેત્રો સમક્ષ આવીને ઉભું રહ્યું. એથી તેને ઘણો જ ગભરાટ થયો. થોડીક વાર પહેલાં આવતી કાલે બનનારા એ બનાવ માટે તેને આનંદ થતો હતો, તે જ પ્રસંગનું ચિત્ર તેની આંખો સામે ખડું થતાં તેને અત્યંત ખેદ થવા લાગ્યો. મુરાદેવી અત્યારે જ્યાં બેઠી હતી, તે મંદિરમાં બીજું કોઈ હતું નહિ - ત્યાં દીપક પણ એક જ હતો અને તે મંદ મંદ બળ્યા કરતો હતો. વળી એના પ્રકાશથી રાજાને ત્રાસ ન થાય અને મહારાજાની નિદ્રાને ભંગ ન થાય, તેટલા માટે તે દીપકને આડે એક પડદો પણ નાંખી દીધો હતો. એથી એ સ્થળે અંધકારની ચમત્કારિક છાયાઓ પડેલી જોવામાં આવતી હતી. એ છાયા પણ તેને ભયંકર દેખાવા લાગી. મનુષ્યના મનની સ્થિતિ ઘણી જ ચમત્કારિક હોય છે - તેમાં પણ સ્ત્રીઓના મનની સ્થિતિ તો એટલી બધી ચમત્કારિક હોય છે કે, જેનું વર્ણન થવું પણ અશક્ય છે. આજસુધીમાં જેટલી ઉગ્રતાથી રાજા ધનાનન્દનો નાશ કરવાની તેની ઇચ્છા થઈ હતી, તેટલી જ ઉગ્રતાથી તેની હવે એવી ભાવના થવા માંડી કે, “મારી ઇચ્છા પાપ કરવાની છે - એમાં મારી દુષ્ટતા અને અધમતા વિના બીજું કાંઈ પણ નથી. વૈર વાળવાનું છે, તો રાજા ઊપર શાને વાળવું ? જેણે મારા વિશે ખોટી ખોટી વાતો કહીને એને ભંભેર્યો હતો, તેમના પાસેથી જ એનો બદલો લેવો જોઇએ ! તેમને જતાં મૂકીને મહારાજાના નાશનો જ મેં ઉપાય કર્યો, એ મારો અક્ષમ્ય અપરાધ છે ! મહારાજાનો એમાં શો દોષ? મહારાજાએ તો મારું પાણિગ્રહણ કર્યું અને તેથી એક પુત્ર પણ મને થયો. તે સહન ન થઈ શકવાથી બીજાંએ મહારાજનું મન મારા વિશે કલુષિત કર્યું, એમાં રાજાનો જે કાંઈ પણ અપરાધ હોય તો તે એટલો જ કે, એવાં જનોના વચનોમાં પૂર્ણ વિશ્વાસ