પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તેને કશી૫ણ અયોગ્યતા દેખાઈ નહોતી, પણ હવે તે કૃત્ય થવાનું છે, એમ જોતાં જ તેની ભાવના બદલાઈ ગઈ અને સામો તેને ટાળવાનો ઉપાય તે શોધવા લાગી. પ્રથમત: સહજ જ તેના મનમાં એમ આવ્યું કે, “રાજાને જાગૃત કરીને આ બધો ભેદ જણાવી દેવો જોઇએ.” પણ એ વિચાર વધારે વાર તેના મનમાં ટકી શક્યો નહિ, તત્કાળ તેને એવી ભીતિ થવા માંડી કે, “જો હું એ બધા વૃત્તાંત રાજાને જણાવી દઇશ અને તો તત્કાળ મને સૂળીએ ચઢાવવાનો અથવા તો પુનઃ કારાગૃહમાં નાંખવાનો હુકમ કરશે તો? માટે એમ તો ન જ કરવું. ત્યારે બીજો ઉપાય એ જ કે, આવતી કાલે રાજાને અહીંથી સભામાં જવા જ દેવો નહિ.” પોતાવિશે રાજાના મનમાં ઘણો જ પ્રેમ હોવાથી તે અવશ્ય એ પ્રમાણે વર્તશે, એવી ધારણાથી એ ઉપાય તેને ઘણો જ સારો ભાસ્યો. તેને જતો અટકાવવાની તેણે આવી યુક્તિ કરી;-“રાજા જવા નીકળે, એટલે અણીને સમયે એકાએક કાંઈપણ રોગ થવાનું અથવા તો કોઈ ભયંકર સ્વપ્ન આવવાનું નિમિત્ત કાઢવું અને તેને રોકી રાખવો.” એ જ એક ઉપાય તેને યોગ્ય દેખાયો. તથાપિ પુનઃ તેના હૃદયમાં એવો વિચાર આવ્યો કે, “રાજા ત્યાં ન જાય અને ભૂલમાં બીજે જ કોઈ તે તોરણ તળેથી નીકળે અને એકાએક ધડાકો થાય, તો એ બધો ભેદ ફૂટી જવાનો સંભવ છે. માટે ચાણક્યને બોલાવીને એ સઘળી વ્યવસ્થાનો જ નાશ કરી નાખવો, એ જ સારો માર્ગ છે. અને રાજાને ખુશીથી ત્યાં જવા દેવો. દારુકર્મોદ્ધારા ચાણક્યે જે ઘાતક યુક્તિ કરાવેલી છે, તેનું નિરાકરણ થયું, એટલે બધી બીનાનો સારીરીતે નિવેડો આવી જશે. સર્વવિઘ્નોને પોતાની મેળે જ ટળી જશે. રાજાને જતા અટકાવવા કરતાં આ વ્યૂહને જ બદલી નાંખવો, એ વધારે સારું છે. પરંતુ ચાણક્ય મારી વિનતિ સાંભળશે ખરો કે ? તેણે કરેલી બધી વ્યવસ્થા તો ધૂળમાં મેળવી દેશે ખરો કે ? તે આ કુટિલ નીતિથી વેગળો રહેશે કે?” એવા પ્રશ્નો પણ તેના હૃદયમાં ઉદ્દભવવા લાગ્યા. તે કોઈ પણ એક જ પ્રકારના નિશ્ચયપર આવી શકી નહિ. તેનું ચિત્ત ચંચળ થઈ ગયું. તેનો જીવ સંશયોથી તળવળવા લાગ્યો. એટલામાં રાત્રિનો એક પ્રહર વ્યતીત થયો, અને ત્યાર પછી થોડીક વારે ધનાનન્દ નિદ્રામાંથી જાગૃત થયો. તેણે જોયું તો મુરાદેવી અદ્યાપિ તેને જાગતી બેઠેલી દેખાઈ. તેથી તેને તેણે પોતાપાસે બોલાવી. મુરાદેવીએ આવીને તેનાં ચરણ ચાંપવા માંડ્યાં, “તું આજે હજી સુધી જાગતી કેમ બેઠી છે વારુ ?” રાજાએ પૂછ્યું, એ પ્રશ્ન સાંભળતાં જ બધો ગુપ્ત ભેદ તેને જણાવી દેવાની મુરાની ઇચ્છા થઈ; પરંતુ પાછું તેનું મન હટી ગયું. કારણ કે, પોતે રાજાનો જીવ બચાવવાથી રાજા પણ તેનો જીવ બચાવશે