પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જ સારું છે, એવી ભાવના થઈ જાય છે. ત્યારે હવે કયો માર્ગ લેવો?” રાજાએ પોતાની ડામાડોળ સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું.

“કહી દેવું એટલે થયું. બીજું તે શું કરવાનું હોય ! જે કાંઈ હોય તે બોલી નાંખોને વહેલા વહેલા - એટલે મારા જીવને શાંતિ થાય.” મુરાદેવી બોલી.

“પણ મારું કથન સાંભળીને કદાચિત્ તને માઠું લાગશે અને તું મારા૫ર કો૫ કરીશ, એવી મને ભીતિ થયા કરે છે.” રાજાએ કહ્યું.

“હું આપના પર કોપ કરું? આ તે આપની કેવી વિચિત્ર કલ્પના?” મુરાદેવીએ તેની ભીતિના કારણને કાઢી નાંખ્યું.

“કલ્પના ખરી છે - મારો નિશ્ચય છે કે, તે સાંભળવાની સાથે જ તું કોપ કરી ઊઠીશ.” રાજા પાછા પોતાનો કકો ખરો કરતો બોલ્યો.

“એ કથન ગમે તેવું હશે, તો પણ હું કોપ ન કરવાનું વચન આપું છું, પછી તો થયુંને?” મુરાદેવીએ પોતાનો હઠ આગળ ચલાવ્યો.

“ત્યારે હું કહું છું – સાંભળ – આજે મેં એક ઘણું જ વિચિત્ર સ્વપ્ન જોયું છે.” રાજાએ કહ્યું.

“એ તો તમે પહેલાં પણ કહ્યું હતું, પણ એ વિચિત્ર સ્વપ્ન શું હતું, તે હું જાણવા માગું છું.” મુરાદેવી પોતાના પ્રયત્નમાં દૃઢ રહીને બોલી.

“પણ જો હું એ ન કહું અને તું ન સાંભળે, તો તેથી હાનિ શી થવાની છે?” રાજાએ પાછો ન બોલવાનો ભાવ દર્શાવ્યો.

“હાનિ તો બીજી શી થાય, પણ મારા મનમાં વસવસો થયા કરશે, એ જ!” મુરાદેવીએ સાંભળવાનું કારણ બતાવ્યું.

“ત્યારે સાંભળ – મને એવું સ્વપ્ન આવ્યું હતું કે, આપણ બન્ને જાણે એક ઘોર અરણ્યમાં ગએલાં છીએ અને ત્યાં ઘોરતમ અંધકાર છવાયલો છે.........”

“ઘોર અરણ્યમાં ? અને આપણ બન્ને ?” રાજાને બોલતો અટકાવીને મુરાદેવી વચમાં જ બોલી ઊઠી.

“હા - આપણ બન્ને - માત્ર બે જ - ત્રીજું ત્યાં કોઈ પણ હતું નહિ. કોઈ પક્ષી પણ જોવામાં આવતું નહોતું.” રાજાએ ભાર મૂકીને જણાવ્યું.

“ખરેખર સ્વપ્ન વિચિત્ર અને ચમત્કારિક તો ખરું ! હં–પછી–પછી શું થયું ?” મુરાદેવીએ પુન: ઉત્સુકતાથી કહ્યું,

“પછી ?...... શું કહું? પણ તું આગ્રહ કરે છે, માટે કહું છું, પણ...”