“પણ બણ કરવાની હવે અગત્ય નથી - હવે તો જે બન્યું છે તે કહેવું
જ પડશે - સત્વર કહો - મને તલપાવો નહિ.” મુરાએ પાછો આગ્રહ કર્યો.
“ઠીક ત્યારે સાંભળ – તે અંધકારાવૃત અરણ્યમાં જાણે આપણે ઊભાં છીએ. એટલામાં ચમત્કાર એવો થયો કે, તેં સહજ હાસ્ય વિનોદમાં મારા ધનુષ્યબાણ અને ખડગ મારા હાથમાંથી લઈ લીધાં અને તેવામાં એક ભયંકર વ્યાધ્ર પોતાની પૂછડી હલાવતો હલાવતો અને મોટેથી અવાજ કરતો મારા શરીરપર ધસી આવ્યો - અરે રે તેનું કેવું ભયંકર સ્વરૂપ હતું !” રાજા પાછો અટકી ગયો.
મુરાદેવી એ સાંભળીને ગભરાઈ અને તે મહારાજાની પાસે આવી બેઠી. ત્યાર પછી કહેવા લાગી કે, “મહારાજ ! મારું રક્ષણ કરો ! એ વ્યાધ્રનું નામ સાંભળતાં જ મારા શરીરમાં કંપનો આવિર્ભાવ થયો છે. જાણે કે તે વ્યાધ્ર અત્યારે મારાં નેત્રો સમક્ષ આવીને ઉભો હોયને ! એવો મને ભાસ થાય છે. હં – પછી શું થયું વારુ? ભય પણ થાય છે અને સાંભળવાની ઇચ્છા પણ થાય છે - એ કેવી મનુષ્યસ્વભાવની વિચિત્રતા ?”
“જો તને ભીતિ લાગતી હોય, તો હું એ વાત આગળ કહીશ નહિ.” રાજાએ કહ્યું. એનું મુરાદેવીએ ઉત્તર આપ્યું કે, “મેં તો કહ્યું કે, ભય પણ થાય છે અને સાંભળવાની ઇચ્છા પણ થાય છે; માટે કહેવામાં કાંઈ પણ અડચણ નથી.”
“હું તો જો કે કહું છું, પણ જો તું હવે વધારે સાંભળવાનો આગ્રહ ન કરે, તો વધારે સારું.” રાજાએ પાછો પોતાનો વિચાર દર્શાવ્યો.
“તે શામાટે ? હવે તો મારા મનમાં ઘણી જ ઉત્કંઠા થાય છે. આપનો આશ્રય હોય, તો મારી ભીતિ કેટલીવાર ટકી શકે તેમ છે? આપનો સ્પર્શ થતાં જ ભય અને ભીતિ તો ક્યાંય ચાલ્યાં જવાનાં ! કહો કે આગળ શું થયું?” મુરાદેવીએ પોતાનો આગ્રહ પાછો ચાલુ રાખ્યો.
“પછી એમ થયું કે, તે વ્યાધ્ર મારા શરીરપર આક્રમણ કરીને મને .........."
“અરે ભગવન્ ! મહારાજ ! આ શબ્દો સાંભળવાથી તો મને મૂર્ચ્છા આવવા જેવું જ થાય છે.” મુરાદેવીએ વચમાં જ કહ્યું.
“ગભરાવાનું કશું કારણ નથી. એ સર્વ સત્ય નથી – એ તો સ્વપ્નની ઘટના છે.” રાજાએ તેને આશ્વાસન આપતાં કહ્યું.
“હા-હા-હું તેા એ ભૂલી જ ગઈ હં, પછી શું થયું, મહારાજ ?” મુરા બોલી.