પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ઉપાયો કર્યા, પણ નેત્ર ન લાગ્યાં તે ન જ લાગ્યાં. રાજાને જતા અટકાવવા માટે શી યુક્તિ યોજવી, એ વિશેનો વિચાર તેના મસ્તિષ્કમાં એક સરખો ભ્રમણ કરતો રહ્યો. તેને પોતાને કાંઈ પણ સૂઝ્યું નહિ, તેથી બીજા કોઈની સલાહ લેવાની તેની ભાવના થઈ પણ સલાહ આપી શકે એવા બીજા કોને શોધવો? એની પ્રાણપ્રિય દાસી અને સખીઓ માત્ર બે જ હતી - એક વૃન્દમાલા અને બીજી સુમતિકા. વૃન્દમાલા તેનાં સર્વ કાર્યોમાં અને કારસ્થાનોમાં સહાયકારિણી થતી નહોતી. આવાં કપટનાટકો તેને બિલકુલ ગમતાં નહોતાં અને મુરાદેવીનાં બધાં કર્તવ્યોનો તો કપટનાટકમાં જ સમાવેશ થતો હતો. એથી તેને આ કાર્યમાં યોજવાથી કશો પણ લાભ થઈ શકે તેમ હતું નહિ. તેના સંમેલનથી કાર્યસિદ્ધિને સ્થળે કાર્યની હાનિ થવાનો જ વિશેષ સંભવ હતો. એ બધું જાણીને તેણે પહેલાંથી જ વૃન્દમાલાને પોતાના એ કાર્યમાંથી દૂર દૂર સરકાવવાનો જ નહિ, પણ સાથે સાથે તેને ઠગવાનો પ્રયત્ન પણ આદરેલો હતો. મુરાદેવી તેને એવા જ ભાવ બતાવતી હતી કે પોતે રાજા સાથે ઘણા જ પ્રેમથી વર્તે છે અને પોતે પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને તેણે વિસારી દીધી છે. સુમતિકા તેને ઘણી જ ઉપયોગી થઈ પડે તેવી હતી; કપટનાટકના પ્રયોગમાં તે તો એટલી બધી ચતુર હતી કે નાંદીથી તે ઠેઠ ભરતવાક્ય પર્યંત વિઘ્ન વિના તે નાટકના પ્રયોગને પાર પાડી શકતી હતી. એના એ સ્વભાવને મુરાદેવી સારી રીતે કળી ગઈ હતી અને તેથી જ તેને તેણે પોતાની વિશ્વાસુ બનાવી હતી. ચાણક્યને ત્યાં જવા આવવામાં અને તેને સંદેશા પહોંચાડવામાં એ જ મુખ્ય સાધનરૂપ થઈ પડી હતી. આજ સુધીનાં સમસ્ત કપટવર્તનોથી તે પૂર્ણપણે જાણીતી હતી. તેથી એ કપટનાટકના નાશ માટે પણ એની જ સહાયતા વધારે ઉપયોગની થશે, એમ ધારીને મુરાદેવી ધીમેથી ઊઠી અને મંદિરમાંથી બહાર ચાલી ગઈ. આ વેળાએ રાજા ગાઢ નિદ્રામાં પડેલો હતો, એ તેને ઘણું જ અનુકૂલ થઈ પડયું. સુમતિકા જ્યાં સૂતી હતી, ત્યાં જતાં જતાં તેને એમ ભાસવા લાગ્યું કે, “કોઈના દોડવાથી પગલાંનો અવાજ થયો.” તેથી તેણે દ્વારમાંથી બહાર નીકળતાં જ અહીં તહીં નજર ફેરવી, પણ કોઈ તેની દૃષ્ટિએ પડ્યું નહિ. તે સુમતિકાના સૂવાના ઓરડામાં જઈ પહોંચી, ત્યાં પોતાના શરીરપર એક રંગીન ચાદર ઓઢીને સુમતિકા ગાઢ અને ઘોર નિદ્રામાં પડેલી તેના જોવામાં આવી. મુરાદેવીએ ઘણીએ હાંક મારી, પણ તે જાગૃત થઈ નહિ. તેની બાજૂમાં જ એક બીજી દાસી પણ સૂતેલી હતી, તે એકાએક જાગીને બેઠી થઈ અને રાણીને જોતાં જ ઉભી થઈ હાથ જોડીને બોલી કે, “ શી આજ્ઞા છે ?” સુમતિકાને