પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
નિશ્ચય ચળી ગયો.

ગમે તેમ કરીને જગાડ - આ તે મનુષ્યનિદ્રા કે કુંભકર્ણની નિદ્રા!” મુરાદેવીએ આજ્ઞા કરી. આજ્ઞા થતાં જ એ સ્વર્ણલતા નામની દાસીએ સુમતિકાના શરીરને હલાવીને તેને જાગૃત કરી. કોઈ માણસ ગભરાટથી બીને ઉઠે, તેવી રીતે સુમતિકા ઊઠી અને મુરાદેવીને જોતાં જ નમ્રતાથી કહેવા લાગી કે, “આ શું? મહારાણી સાહેબ ! મારા અપરાધની ક્ષમા કરશો. હું એક આનંદદાયક અને સુખકારક સ્વપ્નમાં નિમગ્ન થએલી હતી અને એ અર્ધ સ્વપ્નમાં જ આણે મને જાગૃત કરી. પણ જવા દ્યો એ વાતને, અને મહાદેવિ ! પ્રથમ જણાવો કે, આપની શી આજ્ઞા છે તે.”

“તને કાંઈક ગુપ્ત રીતે કહેવાનું છે. સ્વર્ણલતે ! તું જરાક બહાર જઈને બેસ. આ ઓરડાનાં બારણાં બહારથી બંધ કરી દેજે. બારણાંથી છેટી બેસજે - અમારું ભાષણ સાંભળીશ નહિ. જા - જો કે આ વખતે બીજું કોઇ અહીં આવે તેમ તે નથી, પણ કદાચિત્ કોઇ આવે, તો તેને ત્યાં જ થોભાવજે મને કાંઈ કહેવાને પણ આવતી નહિ. અમારું કાર્ય પૂરું થશે, એટલે હું પોતે જ તને બોલાવીશ, જા.” મુરાદેવીએ સ્વર્ણલતાને બહાર જવાની આજ્ઞા કરી.

મુરાદેવીની એ આજ્ઞા થતાં જ સ્વર્ણલતા ત્યાંથી ચાલી ગઈ અને મુરાદેવી પોતાનો મનોભાવ સુમતિકાને જણાવવા જતી હતી, એટલામાં પાછું તેના હૃદયનું ચક્ર ફરી ગયું - તે મનમાં જ વિચાર કરવા લાગી કે, “સુમતિકા પ્રથમથી જ મારા કપટનાટક અનુકૂલ છે, તેથી આ અણીની વેળાએ મારો બદલાયલો ભાવ એને જણાવવાથી એ મને યોગ્ય ઉપદેશ આપશે કે નહિ, એની શી ખાત્રી? કદાચિત્ એને એ વિચાર ન રુચતાં સામી મારા ક્રુર નિશ્ચયને કાયમ રાખવાનો જ એ આગ્રહ કરશે તો? કારણ કે, એનામાં કપટનાટક કરવાનો સ્વભાવ નૈસર્ગિક છે. માટે હવે જ્યારે મારે આ કપટનાટકની પૂર્ણાહુતિ જ કરવાની છે અને આજ સૂધીનાં કારસ્થાનોની મહારાજને જાણ ન થવા દેતાં તેના પ્રાણ બચાવવાના છે, તો એ કાર્યમાં હવે સુમતિકાની સહાયતા લેવાની કાંઈ પણ આવશ્યકતા નથી. એને અત્યારે કોઇ બીજી જ વાત કહીને ઉડાવવી જોઇએ. જો મારો અભિપ્રાય એને ન ગમે અને સામી એ જ મારા વિરુદ્ધ વર્તન કરવાને તત્પર થાય તો ?” એવા વિચારો તેના મનમાં આવતાં તેણે એ કાર્યમાં સુમતિકાને નામની સુમતિકા, પણ કાર્યમાં કુમતિકા ધારીને તેની સલાહ ન લેવાનો દૃઢ નિશ્ચય કર્યો. વૃન્દમાલા જ એ કાર્ય માટે વધારે ઉપયોગી છે, એવો તેને ભાવ થયો અને તેથી તેની સલાહ લેવાનો તેણે નિર્ધાર કર્યો. બનાવટથી તે સુમતિકાને કહેવા લાગી, “સુમતિકે !