પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

આજે મને આખી રાત ઊંઘ આવી નથી, આપણું આ કાર્ય સિદ્ધ થશે જ, એમ તને ભાસે છે કે ? જો આપણી ધારણા પ્રમાણે એ કાર્ય સિદ્ધ ન થાય, તો તારી અને મારી શી દશા થશે, એની તને કાંઈ પણ કલ્પના છે કે ?” સુમતિકા ખરેખર એક ઘણી જ ચતુર સ્ત્રી હતી. રાણી આ વખતે પોતાને જગાડવાને આવી છે, તે કાંઈ આટલા જ કાર્ય માટે આવેલી તો ન જ હોય, એ તે તત્કાળ જાણી ગઈ, તેથી નમ્રતાથી કહેવા લાગી કે, “દેવિ ! તમારે એ વિશે જરા પણ શંકા રાખવી નહિ. આર્ય ચાણક્ય કાંઈ જેવો તેવો કે સાધારણ પુરુષ નથી, એણે જે વ્યૂહની રચના કરેલી છે, તે કોઈ કાળે પણ વિફળ થવાની નથી. એ જ વિચારથી તમને આજે નિદ્રા નથી આવી કે? હું તો જાણું કે, બાઈ, આખી રાત ઉંધ ન આવવાનું એવું તે શું કારણ થયું હશે ? ચાણક્ય ગુરુનો પ્રપંચ સર્વથા નિર્વિઘ્ને સિદ્ધ થશે અને તમારી ઇચ્છા પ્રમાણે તમારો ભત્રીજો આ પાટલિપુત્રના સિંહાસનને અને રાજ્યને સ્વતંત્ર સ્વામી થશે જ.”

“હં-હં-જરા ધીમે ધીમે, સુમતિકે ! આ શું કરે છે?” મુરાદેવી તેના મુખને પોતાના હાથથી દાબીને કહેવા લાગી. “આવી વાતો આવે મોટે સાદે કરી શકાય ખરી કે? ભીંતોને પણ કાન હોય છે, એ કહેવત શું તેં નથી સાંભળી ? છેક અણીને અવસરે ક્યાંક બધી વાત ફોડી નાંખીશ - સંભાળ રાખ.”

એટલું બોલીને મુરાદેવી પાછી સ્તબ્ધ થઈ ગઈ. વળી તેને એમ ભાસવા લાગ્યું કે, “આજ સુધીના રચેલા વ્યૂહમાંથી મને અને મહારાજાને સહીસલામત બચાવી લેવાની યુક્તિ દેખાડનાર કોઈ હોય, તો તે સુમતિકા જ છે. માટે એને બધી વાત કહી દેવી જોઇએ. વૃન્દમાલા આ બધી બીના વિશે કાંઈ પણ જાણતી નથી, એટલે પ્રથમ તો તેને આ બધી કથા વિસ્તારથી કહેવી પડશે અને ત્યાર પછી જ તેની સલાહ માગી શકાશે. આવી સ્થિતિમાં તે સલ્લાહ પણ શી આપી શકવાની હતી?” પુનઃ મનની સ્થિતિ બદલાઈ ગઈ, પણ હવે વિચાર કરવાનો અવકાશ ન હોવાથી તે મુખમાં જે આવે, તે કહી દેવાના હેતુથી સુમતિકાને સંબોધીને કહેવા લાગી કે:-

“સુમતિકે ! મારા ભત્રીજાને રાજ્ય અપાવવાથી મને શો લાભ થવાનો છે? એના કરતાં તો મહારાજ પોતે જ ચિરાયુ થઇને રાજ્ય કરે અને તેના પ્રેમછત્ર તળે રહીને હું સુખ ભેાગવું, તો તેમાં શું ખોટું છે ? મને આટલા વર્ષ કારાગૃહમાં રાખી અને મારા પુત્રને વધ કરાવ્યો, તેના કોપના આવેશથી મેં ભયંકર પ્રતિજ્ઞા કરી અને તેને અનુસરતા વ્યૂહો પણ રચાવ્યા; પણ હવે મહારાજનો ઘાત ન કરવો, એવી મારી ભાવના થએલી છે. માટે તું