પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


પ્રકરણ ૨૫ મું.
ભત્રીજો કે પુત્ર ?

ત્યારે ચાણક્યને શામાટે બોલાવવામાં આવ્યો છે અને નવીન બનાવ શો બન્યો છે, એ સઘળું સુમતિકાએ ચાણક્યને કહી સંભળાવ્યું હતું. મુરાદેવીના આજસુધીના વર્તનને જોતાં તેનું મન ખરી અણીની વેળાએ એકાએક બદલાઈ જશે અને તે કારણથી કદાચિત્ ભયંકર પ્રસંગ પણ આવશે, એ ચાણક્ય પ્રથમથી જ જાણતો હતો. અર્થાત્ તે અસાવધ હતો નહિ. “ગમે તેટલી કારસ્થાની છતાં પણ મુરાદેવી એક અબળા છે. તેના મનની સ્થિતિ ક્યારે બદલાઈ જશે, એનો નિયમ નથી. પોતાના દાયાદોથી યુદ્ધ કરવાને તૈયાર થએલા અર્જુનનો પણ નિશ્ચય ડગી ગયો હતો, ત્યારે મુરાદેવી તે શી ગણનામાં !” એવો વિચાર કરીને કદાચિત્ મુરાદેવીની પણ એવી જ દશા થાય, તો તે વેળાએ કેવા પ્રકારનું વર્તન કરવું, એનો નિશ્ચય તે દૂરદર્શી ચાણક્યે પ્રથમથી જ કરી રાખ્યો હતો. જે કાર્યનો આરંભ કર્યો હોય, તેનો અંત કરવો જ જોઈએ, એવા સ્વભાવના મનુષ્યોમાં સર્વથી અગ્રસ્થાને શોભે એવો ચાણક્ય હતો, એ નવેસરથી કહેવું જેઈએ તેમ નથી. તેણે પ્રથમથી જ એવી બધી બાબતોનો વિચાર કરી રાખ્યો હતો. સુમતિકાએ નવીન બનેલા બનાવના સમાચાર આપતાં જ હવે પછી શા શા ઉપાયોની યોજના કરવી, એનો તેણે મનમાં જ નિર્ણય કરી નાંખ્યો. સુમતિકાએ તેને લઈ જઈને યજ્ઞશાળામાં બેસાડ્યો. તેના આગમનના સમાચાર સાંભળતાં જ મુરાદેવી પણ તત્કાળ ત્યાં આવી પહોંચી. ચાણક્ય તેની સામે ઊભો રહ્યો અને તત્કાળ તેને સંબોધીને બેાલ્યો કે, “મુરાદેવી ! મને તેં આટલો બધો ઉતાવળો કાં બોલાવ્યો? શું આપણા કાર્યની સિદ્ધિમાં કાંઈ પણ વિઘ્ન આવવાનો સંભવ છે? જો તેવું કાંઈ હોય તો જલ્દી બોલી દે, કે જેથી તેને ટાળવાનો હું યોગ્ય ઉપાય કરી શકું.”

“વિપ્રશ્રેષ્ઠ !” મુરાદેવીએ તે જ ક્ષણે ઉત્તર આપવા માંડ્યું. “આપણા આરંભેલા કાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન તો નથી આવ્યું: કિન્તુ આવું રાજાની હત્યા કરવાનું કાર્ય ન કરાય તો વધારે સારું, એવો મારો પોતાનો જ મનોભાવ થએલો છે; અને એ જ કારણથી આટલી ઊતાવળથી મેં આપને બોલાવ્યા છે. આપણા વ્યુહનો નાશ કરો, અને જો તેમ થવું શક્ય ન હોય, તો મહારાજ આજે રાજસભામાં ન જાય, એવી વ્યવસ્થા હું કરીશ. છતાં પણ જો તે જવાનો આગ્રહ જ કરશે, તો આ બધાં પાપો