પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જોઉં છું તો તે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરીને તું પોતાના પુત્રનો ઘાત કરવાને તત્પર થએલી છે. એનો ભાવાર્થ શો હશે, તે તો પ્રભુ જાણે !”

“આર્ય ચાણક્ય ! આપના ચિત્તમાં ભ્રમ તો થયો નથી ને? મારા પુત્રની હત્યા કરવાને હું તત્પર થએલી છું, એમ આપ વારંવાર કહો છો, એનો અર્થ શો છે ? હું ગર્ભવતી છું, એવી મેં ખોટી અફવા ઉડાવી છે, તેને આધારે તો આપ આમ નથી બોલતા ને? એટલે કે, રાજા સમક્ષ મારા અપરાધો હું કબૂલ કરીશ અને તેથી તે મને દેહાંતદંડની શિક્ષા આપશે - એ શિક્ષા થતાં જ મારા પેટમાંના પુત્રનો નાશ થશે, એવી તો આપની ધારણા નથી ને ? પણ હું ગર્ભવતી જ નથી. જો એવો આપને ભ્રમ હોય, તો તેને દૂર કરી નાંખો.” મુરાદેવીએ પોતાની કલ્પના લડાવી.

“દેવિ ! મારા ચિત્તમાં તો ભ્રમ નથી થયો, પણ તું આજ સુધી ખરેખર ભ્રમમાં જ રહેલી છે. રાજાએ જો કે તારા પુત્રને મારી નાંખવાનો યત્ન કર્યો હતો, પણ તે સિદ્ધ થયો નથી. હવે તું પોતે જ તેના ઘાતની સર્વ તૈયારીઓ કરે છે, સમજી કે?”

ચાણક્યનાં એ માર્મિક વચનો સાંભળીને મુરાદેવી આશ્ચર્યપૂર્ણ અને જાણે કે કાંઈક પૂછવા ઇચ્છતી હોયની! તેવી મુદ્રાથી તેને જોવા લાગી. પરંતુ તેના મુખમાંથી એક પણ શબ્દનો ઉચ્ચાર થઈ શક્યો નહિ. શું બોલવું, એની તેને સૂઝ ન પડી. ચાણક્યને પણ એટલું જ જોઈતું હતું. તે તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો; “દેવિ ! હવે હું તને વધારે વાર ભ્રમમાં રાખવા ઇચ્છતો નથી. તું જ એની જનની છે. તને તારા પુત્રની તે જ વેળાએ ઓળખ થવી જોઈતી હતી, પણ તે થઈ ન શકી, એ તારા વાત્સલ્યની કેટલી ન્યૂનતા ? પણ હવે હું તેને લંબાવતો નથી. જો કે થોડા વખતપછી તો અમથો પણ હું એની ઓળખાણ આપવાનો જ હતો - પણ તેં આજે જ તેની આવશ્યકતા કરી આપી. દેવિ ! તારો પુત્ર જીવતો છે........”

“મારો પુત્ર જીવતો છે?” મુરાદેવીએ એકાએક ઉત્કંઠાથી પૂછ્યું. તે પોતે ક્યાં છે અને શું કરે છે, એનું તેને ભાન રહ્યું નહિ, તે પોતાને સર્વથા ભૂલી ગઈ.

“હા - તારો પુત્ર જીવતો છે.” ચાણક્ય કિંચિત્ હસીને કહ્યું.

“આર્ય ! આપ મારાથી વિનોદ તો કરતા નથી ને?” મુરાએ શંકા કરી.

“આ વેળા વિનોદની નથી, અને અત્યાર સુધીમાં મેં કોઈ જોડે વિનોદની વાર્તા કરી નથી.” ચાણક્યે ગંભીર ભાવથી જણાવ્યું.