કરીને ત્યાં સિકંદરે પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું અને તે વેળાએ તક્ષશિલા નગરી તે યાવની અધિકારનું કેન્દ્રસ્થાન બની રહી હતી. એથી આર્ય પંડિતોને ખેદ થતાં તેઓ ઘણા જ અસંતુષ્ટ થએલા દેખાતા હતા. એવા પંડિતોમાંના જ એક પંડિતના આશ્રમમાં અત્યારે આપણે પ્રવેશ કરવાના છીએ.
ઉપર આશ્રમ શબ્દની જો કે યોજના કરેલી છે ખરી, પરંતુ આર્ય વિષ્ણુ શર્માના નિવાસસ્થાનને એ નામ આપવું અને આશ્રમ શબ્દની વિડંબના કરવી, એ બન્ને સમાન છે. બિચારા બ્રાહ્મણની એ પર્ણકુટી તેના અને તેની વૃદ્ધ માતુશ્રીના વપરાસ માટે પણ પૂરી થતી નહોતી. દારિદ્રય મહારાજનું સ્વરૂપ ત્યાં મૂર્તિમાન થએલું જોવામાં આવતું હતું. શ્રી (લક્ષ્મી) અને સરસ્વતીનું પરસ્પર વૈર છે, એમ જે વારંવાર સાંભળવામાં આવે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવાની જો કોઈની ઇચ્છા થાય, તો એ અનુભવ તેને એ પર્ણકુટીમાં સંપૂર્ણતાથી મળી શકે તેમ હતું. આર્ય વિષ્ણુ શર્મા અત્યંત વિદ્વાન, ત્રણ વેદને મુખે રાખનારો અને કર્મકાંડની પ્રતિમારૂપ હતો. નીતિશાસ્ત્રમાં તો એના જેવો પારંગત બીજો કોઈ પણ હતો નહિ. તેમ જ ધનુર્વિદ્યામાં પણ એ બ્રાહ્મણ પ્રતિદ્રોણાચાર્ય જ હતો, એમ કહેવામાં કશી પણ અતિશયોક્તિ થાય તેમ નથી. તેણે પોતાના શિષ્યોને ભણાવવા માટે નાના પ્રકારના શાસ્ત્રીય વિષયોના સુલભ ગ્રંથો રચીને ભૂર્જપત્રોના ભારાને ભારા પોતાની પર્ણકુટીમાં અડચણમાં અડચણ કરીને ખડકી રાખ્યા હતા. એનો પિતા પણ એના જેવા જ અત્યંત વિદ્વાન પરંતુ એવો જ દરિદ્રી હતો. તેના કૈલાસવાસને લગભગ સાત આઠ વર્ષ થઈ ગયાં હતાં અને પતિ મરણના શોકથી અતિશય વિવ્હળ થતાં તેની માતાએ જે પથારી પકડી હતી, તે હજી સુધી છોડી ન હોતી; તેમ જ હવે તે એ બીમારીમાંથી ઊઠીને પાછી ઘરના કામકાજમાં લાગશે, એવી આશા પણ હતી નહિ, તેની બધી શુશ્રુષા એ માતૃભક્ત પુત્રને જ કરવી પડતી હતી - તે રંચ માત્ર પણ આલસ્ય ન કરતાં માતાની સેવામાં દિનરાત ઊભે પગે રહેતો હતો. હમણાં હમણાં તે વધારે અસ્વસ્થ થવાથી વિનાકારણ પુત્રને ગાળો પણ ભાંડ્યા કરતી હતી, પરંતુ કર્તવ્યપરાયણ પુત્રને તેનો જરા પણ કંટાળો આવતો નહોતો. એથી સંતુષ્ટ થઈને સ્વસ્થતા થાય એટલે પુત્રને તે અનેક આશીર્વાદ આપતી હતી અને એમાં જ પુત્ર પરમ સંતોષ માનતો હતો. “માતુશ્રીનો આશીર્વાદ તે જ મારા શ્રમનું ફળ” એમ કહીને તે પોતાના દિનો જેમ તેમ કરીને વીતાડતો જતો હતો; પરંતુ એવા દિવસો વીતાડવામાં કેટલું બધું દુ:ખ