પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
પતિ કે પુત્ર ?

તેને શંકા પણ આવશે, તો તે પોતે પોતાના જીવપર ઉદાર થઈને મારા જીવપર પણ તરાપ મારશે અને સાથે વળી મારા આટલાં વર્ષો પછી મળેલા બાળકના પ્રાણની પણ હાનિ કરી નાંખશે. એ બ્રાહ્મણ છે, માટે ધનાનંદ કદાચિત્ એની હત્યા કરશે નહિ; પરંતુ પોતાના પિતા પાસેથી રાજ્ય છીનવી લેવાના હેતુથી પિતાની હત્યા કરવાને તત્પર થએલા પુત્રને કદાપિ કોઈએ ક્ષમા આપવાનું નથી. ત્યારે હવે ? પુત્રનો શિરચ્છેદ થવા દેવો ? ના-ના-ત્યારે કરવું કેમ? પતિની હત્યા થવાનું મનમાં આવતાં જ મારા મનમાં કોણ જાણે શુંય થઈ જાય છે ! જો પતિને મરતો બચાવું છું તો પુત્ર મરે છે. એ પણ કેમ જોઈ શકાય? હવે એ બન્ને ઉગરે અને ભેદ સંતાયલો જ રહી જાય, એવો તે શો ઉપાય યોજવો? ઉપાય કોઈ નથી. સ્વસ્થ બેસી રહેવું. પણ સ્વસ્થ પણ કેમ બેસી શકાય ? સ્વસ્થ બેઠી કે પતિ મુઓ જ ! તે ન મરે તેટલા માટે તો હું તલપી રહેલી છું, ત્યારે તેમ ન થાય તો લાભ શો ?” એવા વિચારો તેના મનમાં એક પછી એક આવતા જતા હતા. એ વિચારો ચાલતા હતા અને સાથે તે મહારાજાની સેવા પણ કરતી જતી હતી. પરંતુ તે સેવા ભ્રાંત ચિત્તથી થતી હતી. રાજા તેના ચિત્તભ્રમને તત્કાળ એાળખી ગયો; પરંતુ “એની ના છતાં આપણે જવાનો નિશ્ચય કર્યો છે, તેથી જ એના મનની આવી સ્થિતિ થએલી છે. હું એક વાર જઈને પાછો આવીશ, એટલે એનો આ બધો ભ્રમ ચાલ્યો જશે અને એને દ્વિગુણિત ઉલ્લાસ થશે. માટે પાછા આવવા સુધી મારે એક પણ શબ્દ બોલવો ન જોઈએ.” એવી ધારણાથી રાજા એ સંબંધી કાંઈ પણ બોલ્યો નહિ. તેણે તો પોતાના ગમનની તૈયારીઓ કરવા માંડી સ્નાન સંધ્યા આદિ કર્મોની સમાપ્તિ થઈ અને ઉપાહાર પણ લેવાયો. એટલા સમયમાં વળી પણ મુરાદેવીએ વિચાર કર્યો કે “મારે એકવાર હજી પણ અંતની વિનતિ કરવી જોઈએ અને રાજાને જતો અટકાવવો જોઈએ. નહિ તો પછી જે થાય તે ખરું. પણ એને બધો ભેદ તો કહી સંભળાવવો, મારનાર કે તારનાર પરમેશ્વર છે, તેના પર આધાર રાખીને સ્વસ્થ બેસવું, એ જ સારું છે. હું મને મારા પુત્રને અને આર્ય ચાણક્યને પણ ક્ષમા આપવાની પ્રાર્થના કરીશ. પછી તે ક્ષમા આપે તો પણ ઠીક અને ન આપે તોપણ ઠીક.” એવો નિશ્ચય કરી નેત્રોમાં અશ્રુ લાવી તેણે હાથ જોડ્યા અને અત્યંત નમાણું મોઢું કરીને મહારાજને પુનઃ એકવાર અંતિમ વિનતિ કરતાં કહ્યું કે, “ગમે તેમ થાય તો પણ આજે આપ જશો નહિ.” પરંતુ રાજાએ પણ પોતાની દૃઢતામાં કાયમ રહીને જણાવ્યું કે, “એ વિશે હવે તારો ઉપદેશ હું સાંભળવાનો નથી.” એમ કહીને રાજા પોતાનાં વસ્ત્રાલંકારો