આજ્ઞા આપી. “મુરાદેવી અત્યારે ક્યાં જવાની હશે !” એવા વિચારથી વૃન્દમાલા ક્ષણમાત્ર ત્યાંની ત્યાં જ તટસ્થ બની ઊભી રહી; એટલે મુરાદેવી ઝટ તેના શરીરપર ધસી આવીને કહેવા લાગી કે, “શું મારા હાથે પતિહત્યા કરાવવાનો તમારો બધાનો જ નિશ્ચય થએલો છે કે શું? જા-જા-જો એક ક્ષણનો પણ વિલંબ કરીશ, તો મહારાજ મુઆ જ જાણજે. હા-થોડી જ વારમાં સર્વત્ર અંધકાર છવાઈ જશે, જા–દોડ-વાયુવેગે ધા–”
રાણીનાં એ વચનોથી બિચારી વૃન્દમાલા તો કાવરી બાવરી જ બની ગઈ અને ગાંડા માણસ પ્રમાણે એકદમ દોડી, તેણે બની શકી તેટલી ઉતાવળ કરી અને શિબિકા લાવી આપી; પરંતુ એ અલ્પ સમય પણ મુરાદેવીને યુગ સમાન ભાસવાથી તે ઘણી જ કોપાઈ ગઈ છેવટે શિબિકામાં બેસીને તેના વાહકો (ભોઈઓ) ને “મહારાજાની સવારીમાં જલદી મને લઈ ચાલો.” એવી તેણે આજ્ઞા આપી. ભોઈઓ પોતાના પગેામાં જેટલી શકિત હતી, તેટલી શીઘ્રતાથી ચાલવા લાગ્યા; છતાં પણ અંદરથી મુરાદેવીના “જલ્દી ચાલો–પગ ઉપાડો.” એવા પોકારો ચાલુ જ હતા. સવારી પાસે આવતાં જ અત્યંત વિલક્ષણ હાહાકારનો ગગનભેદક ધ્વનિ મુરાદેવીના સાંભળવામાં આવ્યા, તે મૂર્છિત થઈ ગઈ !
એ હાહાકાર એ વેળાએ મુરાદેવીને કલ્પાંતના હાહાકાર સમાન ભાસ્યો. તેના મનમાં એવી પૂરેપૂરી આશા હતી કે, “બરાબર અણીના અવસરે પહોંચીને હું મારા પતિના જીવનનું અને મારા સૌભાગ્યનું રક્ષણ કરી શકીશ.” પરંતુ એ હાહાકાર સાંભળતાં જ તેની એ આશા નષ્ટ થઈ ગઈ: “મારા હાથે જ મેં મારું સૌભાગ્ય ફોડી નાંખ્યું, જે વેળાએ ખરેખર સર્વનું રક્ષણ થઈ શક્યું હોત, અને જે કાંઈ કરવું તે મારા હાથમાં હતું, તે વેળાએ મેં કાંઈ પણ કર્યું નહિ, અને વેળા વીતી ગયા પછી દોડી આવી, એટલે શું થાય? જે થવાનું હતું તે થઈ ગયું, જે અનિષ્ટ થવા ન પામ્યું હોત, તો આવો હાહાકાર થયો હોત નહિ - થઈ ચૂકયું - મારા સર્વસ્વનો નાશ થયો!” આવા વિચારોથી તે ગાંડી બની ગઈ અને હવે આગળ વધવું, પાછાં ફરવું કે પોતે પણ આત્મહત્યા કરીને મરી જવું, એ વિશે તેના મનનો નિશ્ચય થયો નહિ. એટલામાં તે શિબિકા જરા વધારે આગળ વધી અને