કિંચિત્ આગળ વધતાં જ મહાન કોલાહલ અને અમાત્ય રાક્ષસનો જયજયકાર
એ શબ્દો સાંભળતાં જ એ હાહાકાર શાનો હશે ? અને અત્યારે અમાત્ય
રાક્ષસનો જયજયકાર શા માટે ? એ જાણવાની તેમના મનમાં સ્વાભાવિક
જિજ્ઞાસા ઉત્પન્ન થતાં તેઓ પોતાનો ભાર ઉપાડીને વાયુવેગે ચપળતાથી
પ્રયાણ કરવા લાગ્યા.
જરાક આગળ ચાલતાં મહાન હાહાકાર કરતા અને સામેથી ન્હાસી છૂટેલા લોકો તેમના જોવામાં આવ્યા અને તેઓ આવી આવીને તેમનાપર પડવા લાગ્યા. એથી પાલખી પણ જમીનપર પટકાઈ પડી હોત, પણ એ ભોઈયો ઘણા જ હુશિયાર હોવાથી તેમણે તેમ થવા દીધું નહિ. તેમણે પાલખી નીચે મૂકી દીધી અને તેની ચારે બાજુએ ઊભા રહીને તેઓ રક્ષા કરવા લાગ્યા. કારણકે, હવે કોઈપણ રીતે તેમનાથી આગળ વધી શકાય તેમ હતું નહિ. મનુષ્યોનાં ટોળે ટોળાં તેમના અંગપર ધસી આવતાં હતાં. એ મનુષ્યસમૂહના કોલાહલથી મુરાદેવી પોતાના વિચાર ભ્રમણમાંથી એકાએક શુદ્ધિમાં આવી અને ભોઈઓને પાલખી નીચે શામાટે રાખી, એમ તે પૂછવાના વિચારમાં હતી, એટલામાં એક ભોઈ તેની પાસે આવીને તેને કહેવા લાગ્યો કે, “દેવી! હવે શિબિકાને અહીંથી આગળ લઈ જવી, એ સર્વથા અશક્ય છે. ભયંકર મહાસાગર પ્રમાણે ક્ષુબ્ધ થએલો આ જનસમુદાય મહાસાગરનાં મોજાં પ્રમાણે આપણા અંગપર ધસી આવે છે. આ કોલાહલનું કારણ પૂછતાં કોઈપણ સંતોષકારક ઉત્તર આપતું નથી. કોઈ રાક્ષસને શાપ આપે છે, તો કોઈ “આ કેવો ભયંકર સંહાર ?” શબ્દો ઉચ્ચારે છે. એનું સત્ય તત્ત્વ શું છે, તે સમજી શકાતું નથી. શિબિકા સહિત આગળ વધવાની સગવડ નથી. જો આપની આજ્ઞા હોય, તો હું આગળ જઈને આ કોલાહલની ખબર કાઢી આવું?” “રાક્ષસને શાપ આપે છે.” અને “આ કેવો ભયંકર સંહાર!” એ બે ઉદ્ગારો સાંભળતાં મુરાદેવી પાછી ભયભીત થઈ ગઈ. “લોકો ભયંકર સંહારના ઉદ્દગાર કાઢે છે, તેથી ચાણક્યના કાવત્રા પ્રમાણે સંહાર થએલો હોવો જ જોઇએ. ત્યારે રાક્ષસનો જયજયકાર સંભળાયો, તેને હેતુ શો હશે ! હું કાંઈ પણ સમજી શકતી નથી.” એમ વિચારીને તેણે તે ભોઈને આજ્ઞા આપી કે, “જા ને જઈને જોઈ આવ કે શું થયું છે તે ? આ શિબિકાને અહીં જ રહેવા દે – તારા સોબતીઓ મારું રક્ષણ કરશે. જા દોડતો.” ભોઈ તો ત્યાંથી ચાલતો થયો, પણ મુરાદેવીના ઉદિગ્ન મનમાં શાંતિનો વાસ થયો નહિ. તે ઘણી જ અધીરી બની ગઈ હતી. તે ભોઈ ત્યાંથી આસરે પચાસેક પગલાં અથવા વધારે તો સો પગલાં જેટલો દૂર ગયા હશે, એટલામાં તો તે