પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૪૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જલદી પાછો કેમ ન આવ્યો, એવી ચિન્તાથી તેણે બીજા ભોઈને “એ હજી કેમ આવ્યો નહિ ? તું જઈને તેની તપાસ કર અને ત્યાં શી ગડબડ છે તે પણ જોઈ આવ.” એમ કહીને પહેલા ભોઈની પાછળ જવાની આજ્ઞા કરી. એના ઉત્તરમાં તેણે જણાવ્યું કે, “દેવી ! તે ઘણો જ ઉતાવળે ચાલનારો માણસ છે. હમણાં જ આવી પહોંચશે. માટે આપે તેની ચિન્તા કરવી નહિ.” પરંતુ એ વાત કાંઈ મુરાદેવીના મનમાં ઉતરી નહિ. તેથી તે વળી પણ કહેવા લાગી, “ભલે – તે આવતો હોય, તો પણ તું જા. મારું કહ્યું માન.” એટલે તે નિરુપાય થયો અને બાકીના બે ભોઈયોને “હવે તમે બે જણ જ છો, માટે દેવીની સંભાળ રાખજો. જુઓ જરા પણ અસાવધ થશો નહિ.” એવી ભલામણ આપીને પોતાના પ્રથમ સાથીની પાછળ કોલાહલનું કારણ જાણવાને ત્યાંથી ચાલ્યો ગયો.

મુરાદેવીના મનની ચંચળતા અને અધીરતા આ વેળાએ એટલી બધી વધી ગઈ હતી કે, તેને પોતાના કરવાનું કે બોલવાનું પણ ભાન રહ્યું નહોતું. થોડીક વાર પછી પાછી તે પોતાના સંરક્ષક બે ભોઈઓને કહેવા લાગી કે, “કોઈ આવ્યું કે? હવે જો બેમાંથી એક પણ ઉતાવળે આવશે નહિ, તો હું પોતે જ ત્યાં જઈશ. તમે બને મારી બને બાજુએ રહી મને આ ભીડમાંથી લઈ ચાલો એટલે થયું. જો કોઈ આવતું હોય, તો જુઓ, નહિ તો હું ઉતરું છું, ચાલો.” એમ કહેતી કે ખરેખર જ તે પોતાની શિબિકામાંથી નીચે ઊતરી અને ભોઈઓને પોતાને આગળ લઈ જવાને આગ્રહ કરવા લાગી.

“મહારાણી ! આપ વ્યર્થ આવી પીડામાં ન પડો. રાજમહાલયમાં કેવળ મૃદુ પુષ્પોની શય્યામાંથી ઊઠીને સ્ફટિકની પૃથ્વીપર ચાલનારાં આપ ક્યાં અને આ ભયંકર ઝંઝાવાતથી ક્ષુબ્ધ થએલા મહાસાગરનાં મોજાંના વેગે આવનારો જનસમુદાય ક્યાં ? આપ આ સમુદાયમાં અને કઠિન ભૂમિપર કેવી રીતે ચાલી શકશો વારુ ? ત્યાં શું થયું છે, તે જાણવા તો દ્યો – પછી જે કરવાનું હોય તે કરજો.”તે ભેાઈએ નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી.

પરંતુ મુરાદેવીએ એમાંનું કશું પણ ધ્યાનમાં લીધું નહિ. “હું એથી પણ વિશેષ ભયંકર જનસમુદાયમાંથી નીકળી જવાને શક્તિમતી છું.” એમ કહીને તે બહાર નીકળી પડી. તેના મનમાં જે જે ભયંકર વિચારોનું વહન થતું હતું, તેનું વર્ણન કરવામાં હવે વધારે વેળા ખાવાની કાંઈ પણ આવશ્યકતા નથી. સૂર્યાસ્ત સમયે ક્ષિતિજ સમક્ષ રહેલાં વાદળાંપર અસ્તમાન થનારા સૂર્યનાં કિરણેનું પતન થતાં જેવી રીતે તે આકાશ ભાગના