તેનું યથાર્થ રીતે વર્ણન થવું સર્વથા અશક્ય છે. એક મોટો ખાડો હતો અને તેમાં કેટલાંક મડદાં પડેલાં હતાં. તે ખાડામાં લોહીની નદી વહી ચાલી હતી. ખાડાની આસપાસ સૈન્યમાંના કેટલાક સૈનિકોનો પહેરો ઉભેા હતો અને તેઓ ત્યાં એકઠા થએલા લોકોને મારી મારીને દૂર હટાવવાનો પ્રયત્ન કરતા જોવામાં આવતા હતા. એ ખાડામાં મનુષ્યોનાં શબો પડેલાં જોઈને મુરાદેવીનું અંત:કરણ ખેદથી ફાટફાટ થવા લાગ્યું અને તેના સર્વાંગમાં કંપનો આવિર્ભાવ થઈ ગયો. પોતે દૃઢતાથી ત્યાં ઉભી રહી શકશે કે નહિ, એની તેને શંકા થવા લાગી - તેનું મસ્તક એકાએક ફરવા લાગ્યું. એટલામાં તેની પાસે કોક આવ્યું અને તેણે કાનમાં એટલું જ કહ્યું કે, “આવા ભયંકર આદર્શોના અવલોકન માટે અબળાએાએ આવવું જોઈએ નહિ. દેવિ ! તું ઘણી જ દુષ્ટ અને પાષાણ હૃદયની સ્ત્રી હોય એમ દેખાય છે ! આવા સંહાર કરવાના વ્યૂહ રચવાથી તારા મનનું સમાધાન થયું નહિ, કે વળી પોતાના વ્યૂહની સિદ્ધતા જોવા માટે ખાસ અહીં આવી? ચિન્તા નહિ, સુખેથી જો અને તારાં નેત્રોને સંતોષ આ૫. જો - તારી ઇચ્છા અનુસાર બધું થઈ ચૂક્યું છે! એમાં વળી ખૂબી તો એ છે કે, આ બધો પ્રપંચ અમાત્ય રાક્ષસનો જ છે, એવું જ બધાનું માનવું થઈ ગયું છે. આ બનાવટી જમીનપર મહારાજાનો હાથી પગ મૂકવાની તૈયારીમાં હતો, એટલામાં રાક્ષસે જે અહીંથી સટકી જવાનો પ્રયત્ન કર્યો, તે ઘણો જ ઉપયોગી થઈ પડ્યો એથી લોકોને તેનામાં પૂરેપૂરો સંશય થયો. હવે તું અહીં ક્ષણ માત્ર પણ ઊભી રહીશ નહિ. હું પણ ચાલ્યો જાઉંછું.”
મુરાદેવી જો કે અવગુંઠનવતી (બુર્ખાથી ઢાંકેલી) હતી, તો પણ ચાણક્યે તેને તત્કાળ એાળખી લીધી. એ ત્યાં આવશે જ, એવો તેણે તો પ્રથમથી જ તર્ક કર્યો હતો અને તેથી જ તેણે તત્કાળ તેને ઓળખી હતી. તેને ઓળખતાં જ ત્યાં એકઠા થએલા લોકોને દૂર હટાવવાનો પહેરેગીરોને હુકમ કરીને તે તેની પાસે ગયો અને ઉપર કહ્યા પ્રમાણેના વચનો તેણે તેના કાનમાં કહ્યાં. ચાણક્યનો સાદ મુરાદેવીએ ઓળખ્યો અને તેથી તેને ઘણો જ સંતાપ થયો. તે કોપથી લાલચોળ બની ગઈ. એ કોપને બિલ્કુલ શમાવી ન શકવાથી તેના અંગપર ધસી જઈને તે તેને કહેવા લાગી કે, “દુષ્ટ! આજ સૂધીમાં કોઈપણ આર્ય અબળાએ જે પાતકનો વિચાર માત્ર પણ કર્યો નથી, તે પાતક તેં આજે મારા હાથે કરાવ્યું. હવે મારું અને મારા પુત્રનું ગમે તે થાય, તેની મને દરકાર નથી; પણ ખરી વાત શું છે, તે હું મોટેથી આ બધા મનુષ્યોને કહી સંભળાવું છું અને હું પોતે પણ આ ખાડામાં પડીને મારા આત્માનું બલિદાન આપું છું. એ જ મારી શિક્ષા