પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૪૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તે તો સભાગૃહમાં પહોંચવાની જ.” એવો સાહજિક વિચાર કરીને તે ત્યાંથી “પર્વતેશ્વર ક્યારે આવ્યો અને કેમ આવ્યો ?” એ વિષયના શોધ માટે ત્યાંથી ચાલતો થયો. રાક્ષસના ગમનને પા કે અર્ધ ઘટિકા થઈ હશે, એટલામાં રાજગૃહના દ્વાર પાસે બાંધેલા તોરણના તળીયાના ભાગમાં અને ચંદનદાસના ઘરમાંથી ખેાદવાની શરૂઆત કરીને તૈયાર કરેલા ખાડાના મુખપાસે સવારી આવી પહોંચી. બે હાથીઓ સહિત સઘળા નંદો તો ખાડામાં ગર્ક થઈ ગયા. ત્યાં ચાણક્યે પહેલાંથી જ તૈયાર રાખેલા ભિલ્લે તે નવે નંદોને પોતાની તલવારોથી કાપી નાંખ્યા; અને ત્યાર પછી ચાણક્યે શીખવી રાખ્યું હતું તે પ્રમાણે “અમાત્ય રાક્ષસનો જયજયકાર હો !” એવા પાકારો કર્યા. ખાડાના મુખપર પણ બીજા ભિલ્લો ઊભા હતા, તેમણે પણ તે જયજયકારનો પ્રતિધ્વનિ કર્યો. અર્થાત્ આ સઘળું કાવત્રુ અમાત્ય રાક્ષસનું જ કરેલું હોવું જોઈએ અને પોતે કશું જાણતો જ નથી, એમ દેખાડવાને જ તે અહીંથી છટકી ગયો, એવો લોકોનો એથી નિશ્ચય બંધાઈ ગયો. જે લોકો એમ જાણતા હતા કે, અમાત્ય રાક્ષસે જ રાજાને મુરાદેવીના મંદિરમાંથી બહાર કાઢ્યો હતો, તેમને તો એવો દૃઢતમ નિશ્ચય થઈ ગયો કે, રાજાના ઘાતનું અને રાજકુલના ઘાતનું આ કાળું કાવત્રું રાક્ષસે જ રચેલું હોવું જોઈએ. એવો લોકોનો વિચાર બંધાય, એટલા માટે જ અણીને સમયે પત્રિકા પાઠવીને ચાણક્યે રાક્ષસને દૂર કરવાની યુક્તિ રચી હતી અને નંદવંશનો ઉચ્છેદ કરનારા ભિલ્લોને રાક્ષસનો જયજયકાર કરવાની સૂચના આપી દીધી હતી. પરંતુ રાક્ષસને શિરે એ વૃથા દોષનો આરોપ કરવાથી ચાણક્યનું બધું કામ પાર પડે તેમ હતું નહિ; જે જરૂરનું કાર્ય સાધવાનું હતું, તે તો હજી બાકી જ હતું. તે એ કે, રાક્ષસે પર્વતેશ્વરને પાટલિપુત્રનું રાજ્ય આપવા માટે નંદવંશનો ઘાત કરાવ્યો અને પવતેશ્વરદ્વારા પાટલિપુત્રને તે જ સમયે ઘેરો નખાવ્યો; પરંતુ એ અરિષ્ટને ટાળવા માટે ચંદ્રગુપ્તે જીવ જતાં સૂધી યત્ન કર્યો. નન્દવંશના ઈતર પુરુષો - નવેનવ નન્દો મરણ શરણ થયા, તોપણ તેણે નન્દવંશની પ્રતિષ્ઠા જાળવી રાખી. તેણે પર્વતેશ્વરને પરાજિત કર્યો અને પાટલિપુત્રનું રક્ષણ કર્યું; એવો લોકોનો ભાવ થઈ જાય, એવા હેતુથી ચાણક્યે પોતાના ભિલ્લોની એક બીજી ટોળીને શસ્ત્રાસ્ત્રથી સજાવી તૈયાર રાખી હતી. તેમને તેણે એમ કહી રાખ્યું હતું કે, “ખાડામાં પડેલાં મનુષ્યોનો સંહાર થઈ રહે, એટલે પછી 'કુમાર ચન્દ્રગુપ્તનો જયજયકાર હો !” એવા પોકાર કરીને તમારે ખાડામાં કૂદી પડવું અને અંદરના બેચાર ભિલ્લોને જખ્મી કરી નાંખવા. તેમ કેટલાકોને નસાડી પણ દેવા.” એથી લોકોમાં એવી અફવા ફેલાવવાનો તેનો મનોભાવ હતો કે, આ