વેળાએ ચન્દ્રગુપ્તે લજજા રાખી, નહિ તો રાક્ષસના કાવત્રાંથી આખા પાટલિપુત્રનો
સંહાર થઈ ગયો હોત. અને એવી અફવા ફેલાઈ એટલે કાર્યસિદ્ધિમાં
શું બાકી રહ્યું? કાંઈપણ નહિ.
ચાણક્યનો એ હેતુ કેવી રીતે સિદ્ધ થયો. તે હવે પછી જણાશે.
પર્વતેશ્વરને રાક્ષસનું – એટલે રાક્ષસની મુદ્રાવાળું પત્ર મળ્યું, ત્યારથી તે સર્વથા આનન્દમાં લીન થઈ ગયો હતો. ગ્રીક યવનોના બાદશાહ સિકંદરે હિંદુસ્તાનપર ચઢાઈઓ કરીને જે રાજાને પાદાક્રાન્ત કર્યો હતો અને ત્યારપછી પોતાના એક માંડલિક તરીકે તેના જૂના રાજ્યની સત્તા તેને પાછી આપી હતી, તે જ એ પર્વતેશ્વર હતો. એવા બીજા પણ પદભ્રષ્ટ રાજાઓ હતા, પણ સર્વમાં મુખ્ય પર્વતેશ્વર જ હતો. એ કારણથી પાટલિપુત્રના નન્દ રાજાઓ એનો ઘણો જ દ્વેષ કરતા હતા. મ્લેચ્છોનો- યવનોનો એ માંડલિક હતો, તેમજ વળી તેની સેનામાં મ્લેચ્છ અને યવન ઇત્યાદિ જાતિના લોકો પણ હતા, એથી પર્વતેશ્વરને પણ નન્દરાજા મ્લેચ્છ જ માનતા હતા. એ સર્વ રાજાઓ મ્લેચ્છના માંડલિક થયા, પરંતુ પોતે અદ્યાપિ સ્વતંત્ર રહીને આર્યોનું આર્યત્વ અને શ્રેષ્ઠત્વ રાખી શક્યા હતા, તેથી તેમને ઘણું જ અભિમાન હતું. નન્દરાજાના એ અભિમાનનું પરિણામ એવું થયું કે, પર્વતેશ્વર જેવા રાજાઓ તેમનો દ્વેષ કરવા લાગ્યા. તેમને એમની ઘણી જ અદેખાઈ આવવા માંડી. કોઈ પણ પ્રસંગ મળે, એટલે એ નન્દોનાં પોતાના આર્યત્વ માટેના અહંકારને ઉતારી નાંખવો જોઈએ, એવી તેમના હૃદયમાં આકાંક્ષા ઉત્પન્ન થઈ. એવી દશા હોય અને તેવામાં અમાત્ય રાક્ષસ જેવો મનુષ્ય રાજદ્રોહી અને સ્વામિદ્રોહી થાય તો શત્રુઓને પછી બીજું શું જોઈએ વારુ ? પર્વતેશ્વરનો આનંદ ગગનમાં પણ માતો નહોતો. તેણે રાક્ષસને કાંઈક ઉત્તર મોકલ્યું, પુનઃ તેનું ઉત્તર આવ્યું અને અંતે પાછું એક પત્ર આવ્યું, તેમાં તો સ્પષ્ટ લખેલું હતું કે, “અમુક દિવસે અને અમુક વેળાએ જો આ૫ પોતાના થોડા સૈન્ય સાથે પધારીને પાટલિપુત્રને ઘેરો નાંખશો, એટલે થઈ ચૂક્યું. વધારે સૈન્ય લાવવાની કાંઈ પણ આવશ્યકતા નથી. આપ મગધની સીમામાં આવશો, એટલે લોકો ગભરાશે, માટે તેમને એમ કહેવું કે, અમે રાજા ધનાનંદના આમંત્રણથી ચાર દિવસ પાટલિપુત્રમાં અતિથિ થવાને જઈએ છીએ. જો