તમારી સાથે સૈન્ય થોડું હશે ને માગધી પ્રજાને કાંઈ પણ ઉપદ્રવ નહિ કરે, તો લોકો મૌન્ય ધારી બેસી રહેશે. અર્થાત્ એથી હોહા થવા નહિ પામે ને કાર્ય સિદ્ધ થઈ જશે. અહીં તો મારી સર્વ સેના તૈયાર જ છે; સેનાપતિ ભાગુરાયણ પૂર્ણ રીતે આપણા પક્ષમાં છે - તેથી આવતાં જ આપ પાટલિપુત્રના રાજ્યાસનને પોતાના કબજામાં લઈ શકો, એવી સર્વ વ્યવસ્થા કરી રાખી છે. નન્દોનો વંશવૃક્ષ સમૂળ, સશાખ અને સાંકુર ઉખડી જાય - નષ્ટ થાય - એક ક્ષણમાં જ નષ્ટ થાય, એવી ઉત્કૃષ્ટ યોજના કરવામાં આવી છે. વધારે લખવાનો અત્યારે સમય નથી. આ સમય ઘણો જ મૂલ્યવાન છે. માટે જો આ વેળા આ૫ જવા દેશો, તો મારો અવશ્ય નાશ થશે ને આપનો લાભ જશે. જો આ વેળાએ આપણો વિજય થશે, તો આપના જેવા ગુણગ્રાહક ચક્રવર્ત્તી રાજાના પ્રધાનપદે રહેવાને હું તૈયાર છું અને મગધદેશના પ્રજાજનોને ધનાનન્દના ત્રાસમાંથી છોડવવાનું શ્રેય મેળવીને આપ ચક્રવર્ત્તી પણ થવા પામશો. એ જ લેખનમર્યાદા, ઇતિ શમ્”
નંદની માનહાનિ કરીને મગધદેશનું ચક્રવર્તિત્વ મેળવવાની ઇચ્છા રાખનારો પર્વતેશ્વર એથી ઘણો જ હર્ષાયો. તેના મનમાં એ બીજા પત્ર વિશે શંકા માત્ર પણ આવી નહિ અને તેણે તત્કાલ રાક્ષસની આજ્ઞા પ્રમાણે વર્તવાનો નિશ્ચય કર્યો. વળી પત્ર પણ તેને એવી અણીની વેળાએ પહોંચાડવામાં આવ્યું હતું કે, એમાં શંકા વિશંકા કાઢીને વ્યર્થ વેળા વ્યતીત કરવાનો અવસર જ રહ્યો નહોતો. “જો આ વેળાએ પ્રયાણ નહિ કરીએ, તો આવો અમૂલ્ય પ્રસંગ હાથમાંથી જતો રહેશે, માટે આ ક્ષણે ત્વરા કરવા વિના બીજો ઉપાય જ નથી. રાક્ષસ લખે છે કે, સેનાધિપતિ ભાગુરાયણ આપણને પૂર્ણરીતે અનુકૂલ છે, તેથી વધારે સૈન્ય સાથે રાખવાની કાંઈપણ આવશ્યકતા નથી. પાટલિપુત્રના લોકોના મનમાં ધાક બેસી જાય, એટલું સૈન્ય હોય, તો તે બસ છે. ભાગુરાયણની સહાયતાથી આપણું કાર્ય સહજમાં જ સિદ્ધ થઈ શકશે. પ્રજા તો સર્વદા ગાય પ્રમાણે જ હોય છે - એટલે કે એક ધણીએ છોડી દીધા પછી બીજા ધણીના હાથમાં જતાં સુધી જે ધાંધલ કરે, તેટલું જ - એકવાર બંધાઈ એટલે થઈ ચૂક્યું.” એવો દૃઢ વિચાર કરીને પર્વતેશ્વરે પોતા સાથે સૈનિકો વધારે સંખ્યામાં લીધા નહિ. પાટલિપુત્રમાં પહોંચે, ત્યાં સૂધી માર્ગમાં માગધી પ્રજાને તે એમ જ કહેતો રહ્યો કે, “કાંઈક મૈત્રિનો સંબંધ જોડવામાટે ધનાનન્દ મહારાજે બોલાવવાથી અમે થોડા સૈન્ય સાથે પાટલિપુત્ર જઇએ છીએ.” માર્ગમાં લોકોને જરા જેટલો પણ ત્રાસ થયો નહિ. એથી લોકોને શંકા પણ આવી નહિ. પર્વતેશ્વર ત્વરિત અને નિર્વિઘ્ન પાટલિપુત્રમાં પહોંચી શક્યો.