પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

કર્યો, તે આ મ્લેચ્છ રાજાને પકડીને હું તમારા આખા નગરમાં તમારા સમક્ષ ફેરવું છું.” એમ કરવામાં મગધના લોકોની પ્રીતિ મેળવવાનો આ રાક્ષસપ્રતિ તેમના મનમાં ધિક્કાર ઉપન્ન કરવાનો હેતુ સમાયલો હતો. વસ્તુસ્થિતિ આવી હોવાથી ખંડણી કે સંધિમાટેની પર્વતેશ્વરની માગણીને તો કેમ સ્વીકાર કરી શકે વારુ ? અર્થાત્ તેનું કાંઈપણ ન સાંભળતાં ચન્દ્રગુપ્ત તેને પાટલિપુત્રની દિશામાં લઈ ચાલ્યો.

પર્વતેશ્વર સર્વથા નિરુપાય થઈ ગયો. ચન્દ્રગુપ્તના કેટલાક સૈનિકોના ચોકી પહેરામાં તે મૌન મુખે ચાલવા લાગ્યો. એ વેળાએ તેના મનમાં એટલો બધો પશ્ચાત્તાપ થવા લાગ્યો કે, જેનું વર્ણન થવું અશક્ય છે. “કાંઈ પણ વિચાર ન કરતાં માત્ર વિશ્વાસથી જ – અંધ વિશ્વાસથી રાક્ષસનાં વચનોને ખરાં માનીને હું પાટલિપુત્રપર ચઢી આવ્યો, એમાં મેં કેટલી મોટી ભૂલ કરી હતી, તે હવે જણાયું, રાક્ષસે વિશ્વાસધાત કરવામાટે જ તો એ પત્રો નહિ લખ્યાં હોયને? એવો પ્રશ્ન જ મારા મનમાં થયો નહિ. દુષ્ટ રાક્ષસ ! તારા માટે મારા મનમાં ઘણું જ માન અને ઘણો જ પૂજ્યભાવ હતો, તેથી જ હું ફસાયો. પણ એ માન શાથી હતું? તું ઘણો જ સ્વામિનિષ્ઠ છે, એથી અને જ્યારે એ સ્વામિનિષ્ઠ હોવાથી જ મારા મનમાં એનામાટે માન હતું, ત્યારે એને સ્વામિદ્રોાહી થએલો જોઇને મને એનાપર ધિક્કાર કેમ ન આવ્યો? એ મારા લોભનું પરિણામ; બીજું કાંઈપણ નહિ. મારા હૃદયમાં જો આ રાજ્યનો લોભ હોત નહિ, તો આજે હું આવી રીતે ફસાયો પણ ન હોત. પણ હવે એની ચિન્તા કરવી વૃથા છે.” એવી રીતે તે પોતે જ પોતાને પ્રશ્નો પૂછતો અને તેનાં પોતે જ ઉત્તરો આપતો ચાલ્યો જતો હતો. એટલામાં તેની વળી એવી ઇચ્છા થઈ કે, એકવાર ચન્દ્રગુપ્તને પ્રશ્ન કરવો અને આવી રીતે પોતાને ફસાવવામાં રાક્ષસને શેનો હેતુ હોવો જોઇએ, તે જાણી લેવું. એ ઇચ્છા પ્રમાણે તેણે પ્રશ્ન કર્યો, પરંતુ ચન્દ્રગુપ્ત એનું ઉતાવળમાં એટલું જ ઉત્તર આપ્યું કે, “રાક્ષસ ઘણો જ ચતુર અને સ્વામિભક્ત અમાત્ય છે; એટલે એના વિચારોને જાણવાની શક્તિ અમારામાં નથી.” એ ઉત્તર આપવામાં પણ તેનો એવો ભાવ સમાયલો હતો કે, હવે પછી પર્વતેશ્વર બીજો પ્રશ્ન કરે જ નહિ. આવું ઉત્તર આપવાનું બીજું એ પણ કારણ હતું કે, ચન્દ્રગુપ્તે ખરું બોલવાનું નહોતું, જો તો ખરું બોલે, તો તો “તમને અહીં બોલાવવાની બાબતમાં રાક્ષસ કશું જાણતો જ નથી — તમને ફસાવનાર તો બીજો જ કોઈ પુરુષ છે.” એવું જ ઉત્તર આપવું જોઇએ. પરંતુ એ રહસ્ય તેને જણાવવું અને પોતેજ પોતાની હાનિ કરવી એ સમાન હતું તેમ જ “આ બધું રાક્ષસે જ કર્યું.” એમ કહીને તેને વધારે ગુંચવાડામાં નાખવાનું કાર્ય પણ ચન્દ્રગુપ્તથી બની શકે તેમ હતું