પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

કરાવ્યો અને એ સંધિને સાધીને પર્વતેશ્વર પોતાના સૈન્ય સહિત આવી પાટલિપુત્રને ઘેરો ઘાલી નગરપર હલ્લો કરવાની તૈયારીમાં હતો, એટલામાં ચન્દ્રગુપ્તે પોતાના પિતા અને બંધુઓના મરણનું વૈર લેવાની પ્રતિજ્ઞા કરીને સેનાપતિ ભાગુરાયણની સહાયતા વિના જ પર્વતેશ્વર૫ર આક્રમણ કર્યું અને તે આક્રમણના પ્રભાવથી ગભરાયલો પર્વતેશ્વર પોતાના સૈન્ય સહિત ૫લાયન કરી જતો હતો, તેને પકડી કેદ કરીને ચન્દ્રગુપ્ત આજે કુસુમપુરમાં આવનાર છે. પર્વતેશ્વર ગ્રીક યવનોનો માંડલિક છે - એ મૂળ આર્ય હોઈને એણે યવનોની ગુલામગીરી કબૂલ કરી છે, એટલું જ નહિ પણ નન્દોએ તેની ગુલામગીરી કબૂલ કરવી, એટલે કે મ્લેચ્છોના ગુલામના પણ ગુલામ થવું. એવી દુષ્ટ બુદ્ધિથી જ તેણે કુસુમપુરમાં પ્રપંચજાળ પાથરીને નંદોનો એકાએક નાશ કરવાનો અને આપણા આ દિવ્ય નગરપર ઘેરો ઘાલવાનો પ્રયત્ન કર્યો. એ તેના પ્રપંચ માટે તેને શી શિક્ષા કરવી, એનો મહારાજાધિરાજ ચન્દ્રગુપ્ત મહારાજ તો વિચાર કરશે જ, પરંતુ આ નગરમાંથી તેને કોણે સહાયતા કરી એનો પણ શોધ કરી તે દેશદ્રોહીને પકડીને તેને પણ દેહાંત દંડ આપવાની, મહારાજાની ઇચ્છા છે. એટલા માટે આટલું બધું શૌર્ય ગજાવી અને નંદવંશના અકાલ ઉચ્છેદનું વૈર વાળીને પાછા ફરેલા રાજકુમાર - હવે થએલા મહારાજાને સર્વએ મહાન જયઘોષથી આદર સન્માન આપવું – એ પ્રજાનો ધર્મ છે.” ઉદ્ઘોષકદ્વારા એવા ઉદ્ઘોષ કરાવીને સારા સારા કારીગરોને હાથે સ્થાને સ્થાને તેણે તોરણ બંધાવ્યાં. ઉપરાંત બીજી તૈયારીઓ પણ કરવામાં આવી. गतानुगतिको लोक: એ ન્યાય પ્રમાણે સમારંભનું કાર્ય આખા નગરમાં ચાલૂ થઈ ગયું. પરંતુ એ સમારંભની તૈયારી થવામાં અને ચન્દ્રગુપ્તના નગરપ્રવેશમાં હજી અવકાશ હોવાથી આપણે અમાત્ય રાક્ષસની શી સ્થિતિ છે, તેનું કિંચિત અવલોકન કરીશું.

અમાત્ય રાક્ષસ ધનાનંદની સવારી સાથે હાથીપર બેસીને ચાલ્યો જતો હતો, એટલામાં તેને કોઈએ એક ચીઠ્ઠી લાવી આપી. એ ચીઠ્ઠી વાંચતાં જ રાક્ષસ ત્યાંથી ચાલતો થયો, એની વાંચકોને સ્મૃતિ હશે જ. “પર્વતેશ્વર પાટલિપુત્રને એકદમ ઘેરો ઘાલે છે, એટલે શું? તેના શરીરમાં આટલું બળ અને આટલું શૌર્ય એકાએક ક્યાંથી આવી ગયું ? મહારાજાની સવારીની વ્યવસ્થામાં અને મહારાજાને મુરાના મંદિરમાંથી બહાર લાવવાના આનંદના અવસરે એકાએક આ ભયંકર પ્રસંગ આવ્યો, એનું કારણ શું હશે ? ત્રિભુવનમાં મારો બરોબરિયો ગુપ્ત વાતો જાણનાર નથી મળવાનો, એવો અહંકાર મારા હૃદયમાં હોવા છતાં આ વાતની મને જરા જેટલી બાતમી પણ ન મળી, એ શું કહેવાય ?” એવા વિચારથી તે વિસ્મિત થઈ ગયો અને તેથી એ