પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
રાક્ષસની વિસ્મયતા.

બાબતને જેટલી ઉતાવળે ચાલી શકાય તેટલી ઉતાવળે ચાલીને શોધ કરવા લાગ્યો. એ શોધાંતે તેને એમ જણાયું કે, પોતાની સર્વ સેના પર્વતેશ્વરના શિબિરપર ટૂટી પડવા માટે સજ્જ થઈને બેઠેલી છે. એ સાંભળીને રાક્ષસના મનમાં કાંઈક સંતોષ થયો. “હું તો જો કે સર્વથા અસાવધ થઈ ગયો હતો, પણ ભાગુરાયણે પોતાની સેના સજ્જ કરી રાખી છે, એ ઘણું જ સારું થયું.” એમ તેને ભાસ્યું. ભાગુરાયણ સેનાના રહેવાના સ્થાનમાં નહોતો, તેથી રાક્ષસે એક નીચી પંક્તિના અધિકારીને તેને બોલાવવા માટે મોકલ્યો. ભાગુરાયણ નહોતો, પણ તેના હાથ નીચેનો દ્વિતીય સેનાપતિ હતો, તેણે “ભાગુરાયણ તરફથી કોણ જાણે કઈ વેળાએ આમંત્રણ આવશે એનો નિયમ નથી, માટે મારાથી આવી શકાય તેમ નથી.” એમ કહીને આવવાની સાફ ના પાડી. એ ના સાંભળી રાક્ષસ તો આશ્ચર્યથી સ્તબ્ધ જ થઈ ગયો. પાછો તેના મનમાં વિચાર આવ્યો કે, “કદાચિત્ સરત ચૂકથી તેણે આવો જવાબ આપ્યો હશે, અમાત્યે બોલાવ્યો છે, એમ ન સમજવાથી જ તેણે આવું ઉત્તર દીધું હશે,” એમ સમજીને તેણે તે અધિકારીને પાછો બોલાવવા માટે સંદેશો કહાવ્યો. પરંતુ એ આજ્ઞાનો પણ કશો ઉપયોગ થયો નહિ. એથી રાક્ષસને ઘણો જ સન્તાપ થયો. પાટલિપુત્રમાં કોઈપણ આવા બેપરવાઈના જવાબો આપશે અને આવી અવજ્ઞા કરશે, એવો વિચાર તેને કોઈ દિવસે સ્વપ્નમાં પણ આવ્યો નહોતો. પરંતુ આજે તેને પ્રત્યક્ષ અનુભવ થયો, એટલે તેના શોકની સીમા જ થઈ ચૂકી! રાક્ષસ પોતે જ એકદમ તે અધિકારીના સ્થાનમાં જઈ પહોંચ્યો અને કોપથી કહેવા લાગ્યો કે, “ જો કે તેં મારી અવજ્ઞા કરેલી છે, તોપણ આ વેળાએ હું તને કાંઈ કહેતો નથી. પાટલિપુત્રને પર્વતેશ્વરે ઘેરો ઘાલ્યો છે, તેને હાંકી કાઢવામાટે અત્યારે ને અત્યારે તું પોતાના સૈન્ય સહિત ચાલતો થા.” પરંતુ તે અધિકારીએ એનું ઘણું જ શાન્તિથી એવું ઉત્તર આપ્યું કે, “ભાગુરાયણ સેનાપતિની અમને એવી આજ્ઞા છે કે, મારા વિના તમારે બીજા કોઈની પણ આજ્ઞા સાંભળવી નહિ; માટે તેની આજ્ઞા ન મળે, ત્યાં સુધી એક પણ સૈનિક અહીંથી ત્યાં જવાનો નથી. નહિ તો સૈન્ય તો શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઈ તૈયાર જ ઊભેલું છે.” આ ઉત્તર સાંભળી રાક્ષસ ચકિત થઈ ગયો. તેનાં નેત્રો ફાટી ગયાં – તેના મનમાં ઘણો જ ખેદ થયો અને તે બોલ્યો કે, “પણ હું ભાગુરાયણ કરતાં વધારે ઉચ્ચ પદવીનો અધિકારી છું, માટે મારી આજ્ઞા તમારે માનવી જ જોઈએ. તે તમે કેમ માનતા નથી?”

અધિકારીએ એનું કશું પણ ઉત્તર ન આપતાં માત્ર સ્મિત કર્યું. એથી તો રાક્ષસના હૃદયનો સંતાપ વધારે જ વધતો ગયો. એ સંતાપના આવેશમાં