પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
રાક્ષસની વિસ્મયતા.

મહારાજાના નાશનો હેતુ સમાયેલો હતો, એવો જનસમૂહનો પોકાર છે. માટે આપના શિરે કોઈ સંકટ ન આવે અને આપ સુરક્ષિત રહો, તેથી જ આપ બહાનું કાઢીને અણીના સમયે મહારાજાથી દૂર થઈ ગયા હતા, એમ પણ તેઓ બોલે છે. અને... ...”

“અરે ખાડો કેવો અને આ પોકાર શેનો ? હું તારા બોલવાનો ભાવાર્થ જરા પણ સમજી શકતો નથી. બધું સમજાવીને કહે...” વચમાં રાક્ષસ બોલ્યો.

“આ સ્થાન એ વૃત્તાંત કહેવામાટે યોગ્ય નથી. આપ જો મારી સાથે એકાન્તમાં આવો, તો કહી સંભળાવું.” પ્રતિહારીએ ઉત્તર આપ્યું.

પ્રતિહારીના એ છૂટા છવાયા શબ્દોથી રાક્ષસ જાણી ગયો કે, “કોઈ પણ ભયંકર બનાવ બનેલો છે અને તેમાટે લોકોની શંકા મારામાં છે.” ભાગુરાયણ પણ સૈન્યશિબિરમાં થોડા વખત પહેલાં જે કાંઈ બોલ્યો હતો, તેનું પણ હવે તેને સ્મરણ થયું અને આ સર્વ બનાવો બહુ જ વિચિત્ર ભાસવાથી તે ઘણો જ આશ્ચર્યચકિત થઇ ગયો. પણ શું થયું અને શું નહિ, તે સારીરીતે જાણ્યાવિના બેસી રહેવું એ ઠીક નથી, એવો વિચાર થવાથી તેણે તત્કાળ પ્રતિહારીસંગે જવાનું કબૂલ કર્યું. પ્રતિહારીએ તેને પુષ્પપુરીમાં એક ખૂણે રહેનારા પોતાના એક મિત્રને ઘેર લઈ જઈને રાખ્યો, અને બધી હકીકત કહી સંભળાવી, તે સાંભળીને રાક્ષસ ઘણો જ દુ:ખી થયો. “આટલાં વર્ષ જેની કાયા, વાચા અને મનથી સેવા કરી, તે મહારાજાના ઘાત માટે રચાતા વ્યુહની મને બિલકુલ ખબર ન પડી શકી ? અને તે દુષ્ટબુદ્ધિને હું પકડી ન શક્યો? આજસુધી મારી ચતુરતામાટે હું અભિમાન ધરાવતો હતો, તે મારી સઘળી ચતુરતા ક્યાં ચાલી ગઈ ! બીજી કોઈ જેવી તેવી બીના હોત, તો તો ઠીક; પણ મહારાજાનો પોતાનો નાશ થવાનો હતો અને તે હું જાણી ન શક્યો, એ મારી કેટલી બધી અસાવધતા? આજસુધી હું મારા ચારચક્ષુત્વ માટે જે અહંકાર ધરાવતો હતો, તે વ્યર્થ જ?” એવા વિચારોથી તેના મનમાં આશ્ચર્ય, ખેદ અને ઉદ્વેગનો એકસાથે આવિર્ભાવ થયો; અને તેમાં પણ જ્યારે તેણે એમ સાંભળ્યું કે, “લોકોનો એવો જ નિશ્ચય થયો છે કે, એ કારસ્થાનનો કરનાર રાક્ષસ જ છે.” ત્યારે તો તેના ખેદની સીમા જ રહી નહિ. “મારી ચતુરતા, દીર્ધદષ્ટિ, નીતિવિશારદતા અને રાજકાર્યદક્ષતાનો ક્યાં લોપ થઈ ગયો ? મારાં નેત્રો ક્યાં ગયાં? હું અંધ કેમ બની ગયો ? કોઈપણ પ્રચંડ શત્રુએ એ વ્યૂહ ઘણી જ દક્ષતાથી રચેલો હોવો જોઈએ, એ સ્પષ્ટ છે. ત્યારે એ શત્રુ સેનાપતિ ભાગુરાયણ તો નહિ હોય ? એણે જ આ સઘળી ભયંકર ઘટનાનો પાયો નાખ્યો નહિ