પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

હોય, એમ કેમ માની શકાય ? એ જ તો પર્વતેશ્વર સાથે મળી ગયો નહિ હોય? અમુક દિવસે અને અમુક વેળાએ મહારાજાનો તેના સર્વપુત્રો સહિત હું નાશ કરવાનો છું, માટે તે દિવસે તું આવીને પાટલિપુત્રપર ચઢાઈ કરજે, એટલે મારા સૈન્યની હું તને સહાયતા આપીશ ને રાજા તારે સ્વાધીન કરીશ, એમ લખીને એણે જ તે પર્વતેશ્વરને બોલાવ્યો નહિ હોયને ? કાંઈપણ એવું જ કાવત્રું હોવું જેઈએ. એ વિના, આજે જ આવીને પર્વતેશ્વરે નગરને ઘેરો ઘાલ્યો, તેમ બનત નહિ. શું ત્યારે સેનાપતિ ભાગુરાયણે આટલી બધી નીચતા કરી હશે ? ધિક્કાર-ધિક્કાર ભાગુરાયણ ! તને સર્વથા ધિક્કાર હો ! તારે આવું કપટતંત્ર કરવાની શી અગત્ય હતી? જો પાટલિપુત્રના સચિવ પદની તને અપેક્ષા હોત, તો હું આનંદથી તે તને આપત. માટે આમ કરીને માત્ર તે તારી નીચતા જ દેખાડી આપી છે, પરંતુ ચિન્તા નહિ ! આ સંકટમાંથી પાર પડીને પણ હું નન્દવંશની સેવા કરીશ અને પછી તારી કેવી દુર્દશા થાય છે, તે જોજે. એ જ મારી પ્રતિજ્ઞા- એજ મારો નિશ્ચય અને હવે એ જ મારું વ્રત!”

રાક્ષસની આ પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી થઈ, તે આગળ જતાં જણાશે.
પ્રકરણ ૩૦ મું.
ચન્દ્રગુપ્તની સવારી.

ગરમાં મોટા ઠાઠથી ચન્દ્રગુપ્તને લાવવો અને રાજકેદી પર્વતેશ્વરને તેની આગળ ચલાવવો, એજ આર્ય ચાણક્યની મુખ્ય મહત્ત્વાકાંક્ષા હતી. તે તૃપ્ત કરવા માટે જેટલી યોજનાની આવશ્યકતા હતી, તેટલી સર્વ યોજનાઓ તેણે કરી રાખી હતી, અને ત્યારપછી તે ચન્દ્રગુપ્તને નગરમાં લઈ આવ્યો. લોકોનાં ખળભળેલાં મનો શાંત થાય, તેટલા માટે પ્રથમ ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પરાજિત કરીને કેદ કરેલો છે, એ સમાચાર ચાણક્યે આખા નગરમાં ફેલાવી દીધા. અને ચન્દ્રગુપ્તે આજે પુષ્પપુરને યવનોના હાથમાં જતું અટકાવ્યું, એ કારણથી સ્થાને સ્થાને તેના નામનો જયજયકાર પ્રવર્તાવ્યો. તેવી જ રીતે ભાગુરાયણ સેનાપતિ પણ મહારણધીર છે, તેણે જો પોતાનાં સૈન્યને શસ્ત્રાસ્ત્રથી સજ્જ કરી તૈયાર ન રાખ્યું હોત, તો આ વેળાએ આપણા નગરમાં કોણ જાણે કેવોએ કહેર વર્તી ગયો હોત - માટે તેની રાજનિષ્ઠા અને ચતુરતાની જેટલી પ્રશંસા કરીએ, તેટલી થોડી છે, એવાં ભાષણો પણ સ્થળે સ્થળે થતાં રહે, તેની પણ સર્વ વ્યવસ્થા તેણે કરી નાખી. સમસ્ત રાજકુળ, રાજા ધનાનન્દ અને બીજા નંદવંશીય અંકુરોના