પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
ચન્દ્રગુપ્તની સ્વારી.

નાશથી, સર્વથા શોકાકુલ થઈ ગએલું હોવાથી ચંદ્રગુપ્ત માટે વિશેષ સમારંભ કરવો યોગ્ય નથી, એમ ધારી તેણે વધારે ધામધૂમ કરવાનું માંડી વાળ્યું હતું. એવી ધામધૂમ કરવામાં કાંઈ પણ વિશેષ લાભ સમાયલો હતો નહિ, માત્ર લોકોના મનમાં ચન્દ્રગુપ્ત વિશે સારો ભાવ થઈ જાય, અને તે વ્યર્થ રાજ્ય મેળવવા માટે જ આવેલો છે, એમ કોઈને ન ભાસે, એટલો જ તેનો અંતઃસ્થ હેતુ હતો; અને તે સિદ્ધ થઈ જાય, તો પછી બીજા કશાની અગત્ય હતી નહિ.

એ યોજના પ્રમાણે ચન્દ્રગુપ્તે સમારંભપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. પર્વતેશ્વરનું તો માત્ર પ્રદર્શન જ કરાવવાનું હતું, તેથી તેના હાથ જોડાવીને તેના ઘોડાને ચન્દ્રગુપ્તના અશ્વથી કિંચિત આગળ ચલાવવામાં આવ્યો હતો. ચન્દ્રગુપ્તે અદ્યાપિ યુદ્ધનો પોશાક જ પહેરેલો હતો. લોકોની વૃત્તિ અને દાવાનળ એ બને સમાન જ હોય છે - એકવાર તેમાં જ્વાળા પ્રકટી કે, પછી તે સર્વત્ર ફેલાતી જાય છે – ચાણક્યને જે જોઇતું હતું તે બરાબર આવી મળ્યું. ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણના જયજયકારનો ધ્વનિ સર્વત્ર કર્ણગોચર થવા લાગ્યો. લોકો જાણે નંદના નાશનો ખેદ સર્વથા ભૂલી જ ગયા હોયની ! તેવો ભાસ થતો હતો.

લેાકમતની ક્ષણભંગુરતાને ચાણક્ય સારીરીતે જાણતો હતો. ચન્દ્રગુપ્તનો પૂરેપૂરો પ્રભાવ ન પડે, ત્યાં સુધી તેને પ્રજાની દૃષ્ટિ સમક્ષ રાખવામાં સાર નથી – સર્વ નંદોનો નાશ થએલો છે, માટે હજી લોકોના મનમાં કેવી કેવી શંકાઓ થશે, એનો ભરોસો નથી - માટે એકદમ તેને રાજમંદિરમાં લઈ જઈ સિંહાસને બેસાડી રાજતિલક કરીને તેના નામની આણ ફેરવી દેવાનો ચાણક્યે નિશ્ચય કર્યો, “આવા કટોકટીના સમયે એક ક્ષણ પણ વ્યર્થ ન જાય, એની પૂરતી સંભાળ રાખવી જોઈએ, કારણ કે, એવા પ્રસંગે પ્રજામત સ્થાયી હોતું નથી, તેથી સંકટ આવવાની પળે પળે ભીતિ થયાં કરે છે. વેળ સાધી લેવી, એમાં જ ખરું ચાતુર્ય અને ખરું દૂરદર્શિત્વ સમાયલું છે. એમ ન કરવાથી બહુધા હાનિનું જ દર્શન થાય છે. માટે હવે જેટલી ઊતાવળે આ સમારંભની સમાપ્તિ થાય તેટલું સારું.” એવો વિયાર કરી સવારી રાજગૃહમાં આવતાં જ તેણે પર્વતેશ્વરને નજર કેદમાં રાખવાની વ્યવસ્થા કરીને ભાગુરાયણ તથા ચન્દ્રગુપ્તને ખાનગીમાં બોલાવીને રાજ્ય સંબંધી કેટલાક વિચારો કર્યા. “રાક્ષસ ક્યાં છે અને શું કરે છે; એ વિશે બરાબર તપાસ રાખવી જોઇએ.” ભાગુરાયણે સૂચના આપી, એટલે ચાણક્ય હસીને કહેવા લાગ્યો કે, “શું તમને એમ ભાસે છે કે, આવી વેળાએ એક માત્ર પણ હું તેને મારી દૃષ્ટિથી દૂર થવા દઈશ ? ધનાનન્દની સવારીમાંથી તે નીકળ્યો ત્યારનો એક ગુપ્ત દૂત