પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તેની દેખરેખ માટે તેની પાછળ ફર્યા કરે છે. રાક્ષસ કાંઈ કોઈ સાધારણ પુરુષ નથી, અને જે થયું છે, તેથી નિરાશ થઈને બેસી રહેનારો પણ એ નથી. માટે આ વેળાએ એની પૂરતી રીતે સંભાળ રાખવી જોઇએ. એને પાટલિપુત્રમાંથી બહાર જવા દેવો જોઇએ નહિ. એ જો એકવાર આપણા હાથમાંથી છટકી ગયો, તો પછી શી શી ઉથલપાથલો કરશે એની કલ્પના પણ થવી અશક્ય છે. માટે હવે એ પાછો પોતાના પ્રધાનપદને સ્વીકાર કરે, એ પ્રયત્નમાં જ આપણે આપણા સર્વ ચાતુર્યનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ પ્રધાન નીમાય તે પહેલાં રાજાને સિંહાસનારૂઢ કરવો જોઇએ અને તે સધળું કરવાનું હવે તમારા હાથમાં છે. આ સમયે એક ક્ષણ માત્ર પણ વ્યર્થ ખોવી, એ ઘણું જ હાનિકારક છે. આ પળે જ દુઆહી ફેરવી દ્યો. ચાર શેઠો, ચાર મહાજન અને સર્વ ક્ષત્રિયવીરોની સભા ભરીને તેમને કહો કે, નન્દવંશનો આ ઘાત કેવી રીતે થયો, તેની તપાસ કરીને તે ઘાતકોને અને પાટલિપુત્ર પર ચઢાઈ કરીને અહીં યાવની અધિકાર જમાવવા માટે ઉદ્યુક્ત થએલા પર્વતેશ્વરને શિક્ષા કરવાનો કોઇને પણ અધિકાર હોવો જોઇએ. એ પછી યોગ્ય ભાસે તેટલો ચન્દ્રગુપ્તનો વૃત્તાંત તેમને જણાવીને પોતાનું કાર્ય સાધી લેજો. રાક્ષસના સંબંધમાં હવે પછી શું કરવું અને શું નહિ એને વિચાર હું પોતે જ કરીશ.”

ચાણક્યની સૂચના પ્રમાણે ભાગુરાયણે સર્વ કાર્ય કરવાનો નિશ્ચય કર્યો. તત્કાળ મોટા ગણાતા પુરુષોમાંના ઘણાકને બોલાવી અને બનેલી બીનાથી તેમને જાણીતા કરી તેમના સમક્ષ તેણે ચન્દ્રગુપ્તના શૌર્ય અને વીર્યની ઘણી જ પ્રશંસા કરી અને તેને સિંહાસનારૂઢ કરવામાટે તેમનું અનુમોદન મેળવ્યું. એક બે જણે રાક્ષસના નામનો ઉચ્ચાર કરતાં ચન્દ્રગુપ્તે કહ્યું કે, “હવે પાટલિપુત્રમાં જો એના નામનો ઉચ્ચાર ન થાય, તો વધારે સારું. હું આમ કહું છું તેનાં અનેક કારણો છે અને તે સત્વર જ એની મેળે આપના જાણવામાં આવશે.” એમ કહી પોતે હવે પછી શું કરવાનો છે, તેનું તે વિવેચન કરવા લાગ્યો. માત્ર ચન્દ્રગુપ્તના રાજ્યારોહણની જ દુઆહી ફેરવવા કરતાં નન્દના નાશનાં કોણ કોણ અને તેઓ કેવી રીતે કારણે થયા, એનો ચન્દ્રગુપ્તે ઘણી જ દક્ષતાથી શોધ કરેલો છે અને તેથી ખરા અપરાધીઓ સત્વર જ લોકોના જોવામાં આવશે, એવી ખબર પણ લોકોને આપી દેવાનો ચાણક્યે ઠરાવ કર્યો હતો. એ પ્રમાણે સર્વત્ર દુઆહી ફરી ગયા પછી ત્વરિત જ શુભ મુહૂર્ત અને શુભલગ્ન જોઇને ચન્દ્રગુપ્તના રાજ્યારોહણનું કાર્ય આટોપી લેવાને પણ નિશ્ચય થઈ ચૂક્યો.