આનાકાની કરવા લાગ્યો. કારણ કે, અમાત્ય રાક્ષસ પોતાના ઘરમાં છે, એ કોઈને માલૂમ થવું ન જોઈએ, એવી તેની ઇચ્છા હતી, અને તેના મિત્ર પ્રતિહારીએ પણ તેને એવો જ ઉપદેશ આપેલો હતો. પરંતુ ભાગુરાયણ સેનાપતિ પધારેલા છે અને અમાત્ય રાક્ષસ આ જ ગૃહમાં છે, એ તેઓ સારીરીતે જાણે છે - સેનાપતિ અમાત્યને જ મળવાના છે – માટે દ્વાર ઉઘાડો – જો દ્વાર ઉઘાડવામાં નહિ આવે, તો તેને તોડીને અંત:પ્રવેશ કરવામાં આવશે. એવું ભાગુરાયણના અનુચરે જ્યારે થોડુંક ધમકીનું ભાષણ કર્યું; ત્યારે તે ઘરધણી ગભરાયો અને રાક્ષસ પાસે જઈને, પોતાના શિરે આવેલા સંકટનું દુઃખિત મુદ્રાથી વિવેચન કરવા લાગ્યો. એ સાંભળીને રાક્ષસ કોપાયમાન થઈ ગયો અને કહેવા લાગ્યો, “બેલાશક દરવાજા ખોલી નાંખો. પોતે જ પ્રપંચ રચીને બીજાને શિરે દોષારોપણ કરી તેનો ઘાત કરવા ઇચ્છતા નીચ ભાગુરાયણની મને જરા પણ ભીતિ નથી. આ સઘળાં કાળાં કૃત્યો એ નીચ ભાગુરાયણનાં જ કરેલાં છે. આ નન્દવંશની પ્રધાનપદવી પોતાને મળે, એ જ તેની મહત્વાકાંક્ષા છે, અને તેને તૃપ્ત કરવામાટે એ દુષ્ટે રાજકુળનો નાશ કર્યો છે. એને અંદર બોલાવો - જાઓ બોલાવો – મારું જે કાંઈ થવાનું હશે તે થશે - એનો વિચાર અત્યારે કરવાનો નથી.”
રાક્ષસની એવી આજ્ઞા થતાં જ તે ધરધણીએ આવીને દરવાજો ઉઘાડી નાખ્યો. દ્વાર ઊઘડતાં જ ભાગુરાયણ સેનાપતિએ ઘરમાં પ્રવેશ કર્યો અને તે દ્વાર ઊઘાડનારને શાંતિથી પરંતુ ભલતા ભલતા જવાબો આપવાથી કાંઈ પણ વળવાનું નથી, એવી ધમકી આપી પૂછ્યું કે, “અમાત્ય રાક્ષસ પાસે મને લઈ ચાલો.” હા ના કરવાનો એ પ્રસંગ જ નહોતો, તેમ જ રાક્ષસની તેને લઈ આવવાની આજ્ઞા મળેલી હોવાથી હા ના કરવાની આવશ્યકતા પણ હતી નહિ, તેથી તત્કાલ સેનાપતિની ઇચ્છા પ્રમાણે તેને રાક્ષસ સમક્ષ લઈ જવામાં આવ્યો.
ભાગુરાયણ જો કે સેનાપતિ અને શૂરવીર પુરુષ હતો, પરંતુ તેણે ચાતુર્યયુક્ત અને કપટપૂર્ણ ભાષણો કરવાનો અભ્યાસ કરેલો નહોતો, અમાત્ય રાક્ષસ સન્મુખ આવ્યા પહેલાં, હું આમ બોલીશ, ને હું તેમ બોલીશ, એવી તેણે પોતાના મનમાં અનેક યોજનાઓ કરી રાખી હતી, પરંતુ અમાત્ય સમક્ષ જઈને ઊભા રહેતાં જ તેની અર્ધ આશાનો તો તત્કાળ નાશ થઈ ગયો.
ભાગુરાયણને જોતાંજ અમાત્ય રાક્ષસના શરીરમાં જાણે અગ્નિએ પ્રવેશ કર્યો હોયની, એવો તેને ભાસ થવા લાગ્યો ! પોતાના કોપના અનિવાર્ય આવેશમાં જ તે ભાગુરાયણ ઉદ્દેશીને ધિક્કારના શબ્દો બોલ્યો કે, “કેમ