પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તો મેં કોઈ વાર નામ માત્ર પણ સાંભળેલું નથી. ઠીક ઠીક - તેં પેલી વૃષલીના ભત્રીજાને રાજ્યાસને બેસાડવામાટે જ આ નીચ કૃત્ય કરેલું છે, એ હવે સમજાયું. હવે એ બનાવનાં સઘળાં કારણો મારા ધ્યાનમાં આવી ચૂક્યાં તે વૃષલીએ જ અન્તે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મહારાજાનો ઘાત કરાવીને પોતાના ભત્રીજાને આ મગધદેશના સિંહાસને બેસાડવાનો પ્રસંગ આણ્યો ખરો ! શાબાશ-શાબાશ ! अनृतं साहसं माया ઇત્યાદિ ગુણોથી વિભૂષિત એવું એ સ્ત્રીરૂપી યંત્ર ત્રિભુવનના નાશ માટે જ ઉત્પન્ન થએલું છે, એમ જે કહેવામાં આવે છે, તે કાંઈ ખોટું નથી, એ ચાંડાલિનિ! જે વેળાએ તારા દુર્ભાગી પુત્રનો વધ કરાવ્યો, તે વેળાએ સાથે મહારાજાએ તારો પણ વધ કરાવી નાંખ્યો હોત, તો આજે આ ભયંકર પ્રસંગ જોવાનો અવસર અમને પ્રાપ્ત થાત જ નહિ. અને સેનાધ્યક્ષ ! તારા જેવા પુરુષે તેના વાક્પાશમાં ફસાઈને આવું કાળું કાવત્રું કરવું યોગ્ય હતું કે? તને અમાત્ય પદવીની લાલસા હતી, તો તે વાત મને જણાવવી હતી, એટલે તે પદવી મેં તને મહા આનંદથી આપી હોત. હું સ્વસ્થ ઘેર બેસી રહ્યો હોત અને... ... પરંતુ તને હવે એ બધું કહી સંભળાવવાથી શો લાભ થવાનો છે? સર્વસ્વનો નાશ તે તું કરી ચૂક્યો. પરન્તુ ભાગુરાયણ ! જે સ્વામીનો ઘાત કરે છે, તેનું કોઈ કાળે પણ ભલું થતું નથી, માટે તારે પણ ભલું તો નહિ જ થાય.” ભાગુરાયણે તેના એ વાગ્બાણોને શાંતિથી સહન કરી લીધો, અને થોડીવાર પછી તે તેને કહેવા લાગ્યો કે, “જે સ્વામિઘાતક હોય છે, તેનું ભલું થવાની કોઈ ઇચ્છા પણ કરતું નથી. પરંતુ સ્વામિનો ઘાત આપણામાંથી કોઈએ પણ કર્યો હોય; એવો સંભવ તો દેખાતો નથી. આપણે મગધદેશને સર્વથા નિર્ભય થયેલો માનીને બેપરવાઈમાં બેસી રહ્યા, તેથી જ પર્વતેશ્વરનો દાવ ફાવી જતાં તેણે મહારાજનો ઘાત કરી નાંખ્યો. કુમાર ચન્દ્રગુપ્તે તેનો પરાજય કરીને તેને પકડી લીધો, એ કાર્ય માટે આપે તેની સ્તુતિ કરવી જોઈએ, તેને બદલે આપ તેના શિરે જ દોષનો આરોપ કરો છો, એ તે શું કહેવાય ? વળી મને પણ આપ દૂષિત ઠરાવો છો; એ આપની મતિ કેવા પ્રકારની? હવે આપ આ અજ્ઞાત વાસમાં કેટલાક દિવસ પડી રહેવાના? મહારાજનો ઘાત થયો ત્યારથી આપ અહીં જ વસો છો, એ વાતની મને ખબર મળવાથી આપને શોધતો શોધતો હું આજે અહીં આવી પહોંચ્યો છું. આપની બેપરવાઈને લીધે જ આટલો બધો અનર્થ થયો, તો પણ આર્ય ચાણ–નહિ–મહારાજ ચન્દ્રગુપ્તની એવી ઇચ્છા છે કે, હવે પછીની રાજ્યની વ્યવસ્થા પણ આપની અનુમતિથી જ થવી જોઈએ..…....”